



પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.) મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત પોરબંદર તાલુકાના આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો માટે PC & PNDT એક્ટ જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા આરોગ્ય કચેરી, પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય હેતુ PC & PNDT કાયદા અંગે સચોટ માર્ગદર્શન આપી આરોગ્ય કર્મચારીઓને વધુ જાગૃત કરવો અને લિંગ ગુણોત્તરના સુધારામાં અસરકારક યોગદાન આપવા પ્રેરિત કરવાનો હતો.
સેમિનારમાં કાયદા નિષ્ણાત યોગેશ નનેરાએ PC & PNDT એક્ટની જોગવાઈઓ, કાયદાના કડક અમલ, ગર્ભમાં બાળકના જાતિ પરીક્ષણના કાયદાકીય પરિણામો અને આરોગ્ય કર્મચારીઓની ફરજ-જવાબદારીઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં કુલ 74 આરોગ્ય કાર્યકરો અને આશા બહેનોને તાલીમ આપવામાં આવી.
સેમિનારના અંતે સંકલ્પ DHW તરફથી ડો. સંધ્યાબેન જોશીએ આભાર વ્યકત કર્યો હતો અને ઉપસ્થિત તમામ લાભાર્થીઓને BBBP લોગોવાળી બેગ તથા IEC સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ સેમિનાર દ્વારા આરોગ્ય ટીમને PC & PNDT કાયદા અંગે વધુ સ્પષ્ટ સમજ મળી, જેનાથી ક્ષેત્રમાં કાયદાના અસરકારક અમલ અને સમાજમાં લિંગભેદ ઘટાડવાના પ્રયત્નોમાં ગતિ મળશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા અને બાળ અધિકારી પી.પી. જાદવના માર્ગદર્શન હેઠળ તથા “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વુમનની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.સી. વાજા, જીલ્લા બાળ સુરક્ષા એકમના કાયદા નિષ્ણાત યોગેશ નનેરા, તાલુકા હેલ્થ વિઝીટર નીમુ ઓડેદરા, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ હેમાક્ષી સોલંકી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એંપાવરમેન્ટ ઓફ વુમનની ટીમમાંથી ડો. સંધ્યા જોશી (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર), ચિરાગ દવે (જેન્ડર સ્પેશ્યાલિસ્ટ), સૌરભ મારું (ફાઇનાન્સ લિટ્રેસી) અને રાજેશ ટાંક પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya