

મહેસાણા, 18 નવેમ્બર (હિ.સ.) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે બેચરાજી વિધાનસભા મતવિસ્તારમાં મોટપ ચોકડીથી મીઠા ગામ સુધી યુનિટી માર્ચ પદયાત્રાનું ભવ્ય આયોજન થયું. પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય સુખાજી ઠાકોર સહિતના મહાનુભાવોની હાજરીમાં પદયાત્રાનો શુભારંભ કરાયો.આ પ્રસંગે પૂર્વ ગૃહ મંત્રીએ જણાવ્યું કે સરદાર પટેલે 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતની રચનામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. યુનિટી માર્ચનું મુખ્ય લક્ષ્ય યુવાનો અને સામાન્ય જનતાને તેમના રાષ્ટ્રનિર્માણના યોગદાનથી માહિતગાર કરવાનું છે. સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે સરદાર પટેલના વિચારો અને જીવનપ્રેરણાને જીવંત રાખવા આવી પદયાત્રાઓ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે, જેને પ્રોત્સાહિત કરવા સૌએ સ્વદેશી અપનાવવો જોઈએ.પદયાત્રા દરમિયાન હિંગળાજપુરા, લાલજીનગર, દેવીનાપુરા અને મીઠા ગામોમાં ભવ્ય સ્વાગત થયું. વક્તા નરેશ દેસાઈએ સરદાર પટેલના જીવનપ્રસંગોની પ્રેરણાદાયી માહિતી આપી. કાર્યક્રમમાં અધિકારીઓ, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR