

વડોદરા,19 નવેમ્બર (હિ.સ.) આઠમા રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ નિમિત્તે ઇન્ડિયન નેચરોપેથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ મેડિકલ એસોસિયેશન (ઇનાઇગ્મા) ગુજરાત ચેપ્ટર તથા મોરારજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, કારેલીબાગ–વડોદરાના વિદ્યાર્થીઓ, સ્ટાફ સભ્યો, ઇન્ટર્ન ડૉક્ટરો અને ગુજરાતના BNYS ડૉક્ટરો વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા.
અહીં તેમણે જિલ્લા આયુષ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને પોતાની બે મહત્વપૂર્ણ માંગો અંગે અધિકૃત નિવેદન સોંપ્યું હતું.
-યોગ અને નેચરોપેથીને કેન્દ્ર સરકારના NCISM એક્ટ–2020 માં સમાવેશ કરવામાં આવે.
-ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ–2025 (Guj CEA 2025) માં યોગ અને નેચરોપેથી ઉપચાર પદ્ધતિને ફરીથી સામેલ કરવામાં આવે.
ઇનાઇગ્મા ગુજરાત ચેપ્ટર ના પ્રમુખ ડૉ. કેરસી દેસાઈએ જણાવ્યું કે આ બંને મુદ્દાઓને લઇને રજૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી છે, જેથી દેશભરના BNYS ડૉક્ટરોને યોગ્ય ઓળખ અને નેચરોપેથી–યોગ ઉપચાર પદ્ધતિને કાયદાકીય સુરક્ષા મળી રહે.
પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે આ સુધારા થતા દર્દીઓને વધુ સારી હેલ્થકેર સેવાઓ તેમજ નેચરોપેથી ડૉક્ટરોને તેમની વ્યાવસાયિક હક્કોની સુનિશ્ચિતતા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે