
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના જુના ગંજ બજારથી નીલમ સિનેમા રોડ પર આવેલી ચોઇસ ટેલર દુકાનમાં આજે સવારે અગમ્ય કારણોસર આગ લાગી, જેમાં સિલાઈ મશીન સહિતનો સરસામાન બળી જતાં અંદાજે 50,000થી વધુનું નુકસાન થયું. સવારના સમયે બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતા પાડોશીઓએ આ બાબત ધ્યાનમાં લીધી.
પાડોશીઓએ તરત જ દુકાન માલિક જિબેર સૈયદને જાણ કરી, જે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અંદરની મોટાભાગની વસ્તુઓ આગમાં બળી ખાખ બની ગઈ હતી. દુકાનનો સંપૂર્ણ સામાન આગની લપેટમાં આવી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ પાટણ ફાયર વિભાગની ટીમ સાધનો સાથે સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. આ કામગીરીમાં ભૂરા સૈયદ, યાસીન મિર્ઝા સહિતના સ્થાનિક નાગરિકો પણ સક્રિય રીતે જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ