
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક રાત્રિ દરમ્યાન દાંતીવાડા કેનાલ ઓવરફ્લો થતાં ત્રણથી વધુ ખેડૂતોની અંદાજે 10 વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું હતું. દિવેલા, રાયડો, રજકો અને તાજેતરમાં વાવેલ ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ વચ્ચે તંત્રની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો.
કેનાલ ઓવરફ્લોથી સતત 10 કલાક સુધી રસ્તાઓ અને ખેતરોમાં પાણી વેડફાતું રહ્યું, નાનાનાયતાથી રખાવ રોડ સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને મુશ્કેલી સર્જાઈ. રહેઠાણ વિસ્તારોમાં પણ પાણી ઘૂસવાની ભીતિ વચ્ચે તાણેચાપુરાના ખેડૂત લેરાજી ગલાબજી ઠાકોરે દર વર્ષની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને મોટા નાળાનું નિર્માણ કરવાની માંગ કરી.
નાયતા ગામના ભારમલજી ઠાકોરે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી દાંતીવાડા માઈનોર કેનાલ સતત ઓવરફ્લો થાય છે, જ્યારે આ વર્ષે કેનાલમાં ક્ષમતા કરતાં વધુ પાણી છોડાતા સ્થિતિ વિકટ બની હતી. ભાજપ કાર્યકર ભરતજી ઠાકોરે પણ નહેરમાં ગાબડું હોવા છતાં સુધારાત્મક પગલાં ન લેવાયા હોવાનું કહી તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ