
ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ઉત્તરપ્રદેશના રહેવાસી ધનેશ કુમાર ગુપ્તાએ તાજેતરમાં એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં ભાગ લીધો હતો જે તેમના માટે એક યાદગાર અનુભવ બન્યો છે. તેઓ પીએમ સ્વનિધિના લાભાર્થી છે અને પરંપરાગત વાનગીઓનો સ્વાદ લોકો સુધી પહોંચાડે છે. ગુજરાત સરકારે તેમને એકતાનગર ખાતે ભારત પર્વમાં સ્ટોલ લગાવવા માટે આમંત્રિત કર્યા હતા જેનાથી તેમને સારી આવક પણ થઇ અને હવે તેમને વ્યવસાયને વધુ આગળ લઇ જવાની પ્રેરણા પણ મળી છે.
ઇટાવાના રહેવાસી ધનેશ કુમારે ભારત પર્વમાં લોકોને રબડી અને કેસર મિલ્કનો સ્વાદ ચખાડ્યો. સ્વાદ અને ગુણવત્તાના તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ જોતજોતામાં લોકપ્રિય બની અને તેમનો સ્ટૉલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. ગુજરાતમાં તેમના આ પ્રથમ અનુભવ વિશે ધનેશ કુમાર ઉત્સાહપૂર્વક જણાવે છે, _“ભારત પર્વમાં સામેલ થવું એ મારા જીવનના સૌથી યાદગાર અનુભવો પૈકી એક છે. મારા સ્ટૉલની મુલાકાત લેનારા લોકોમાં વિનમ્રતા જોવા મળી અને તેમણે અમારી વાનગીઓના વખાણ કર્યા. મને અહીં આવવાનું આમંત્રણ આપવા બદલ હું ગુજરાત સરકારનો આભારી છું. આશા છે કે હું આવતા વર્ષે અહીં ફરી આવીશ અને ગુજરાતની સ્વાદપ્રેમી જનતાને નવી વાનગીઓનો સ્વાદ ચખાડીશ.”_
આ કાર્યક્રમમાં સામેલ થવાથી ધનેશ કુમારના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભારત પર્વ દરમિયાન તેમણે ₹60 હજાર જેટલી આવક કરી છે જે દર્શાવે છે કે શેરી ફેરિયાઓ અને નાના દુકાનદારોને આર્થિક રીતે સશક્ત કરવાનો પીએમ સ્વનિધિનો ઉદ્દેશ સકારાત્મક રીતે સાકાર થઇ રહ્યો છે.
સ્થાનિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ભારત પર્વ જેવા કાર્યક્રમો એક મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે જેમાં ભારતની સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વ્યંજનોની ઝાંખી પણ જોવા મળે છે. ધનેશ કુમાર ગુપ્તા માટે આ કાર્યક્રમ માત્ર એક વ્યવસાયિક તક નહોતી પણ એક એવો યાદગાર અનુભવ રહ્યો છે જે તેમની આર્થિક સશક્તિકરણની યાત્રાને વધુ મજબૂત અને ગૌરવમય બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ