
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નિબંધ, ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડૉ. રાજાભાઈ આયરના પ્રાસંગિક ઉદ્બોધનથી થઈ, જેમાં તેમણે સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારત વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેમણે સરદાર પટેલને યાદ કરીને સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવી દેશના વિકાસમાં ભાગ લેવા હાકલ કરી.
સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ચિત્ર અને નિબંધ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા. ચિત્ર સ્પર્ધામાં રાષ્ટ્રધ્વજ, ગાંધીજી, સરદાર પટેલ અને સ્વદેશી અંગે ચિત્રો અને સૂત્રો દર્શાવવામાં આવ્યા. નિબંધ સ્પર્ધામાં સરદાર પટેલના જીવન અને સ્વદેશી વિષય પર નિબંધો લખાયા. વિજેતાઓમાં સુથાર કૌશિકભાઈ (પ્રથમ), સોલંકી હિતેશભાઈ (દ્વિતીય), પરમાર નયનાબેન (પ્રથમ), માળી રિદ્ધિ (દ્વિતીય), પ્રજાપતિ મીતલ (તૃતીય) અને વક્તૃત્વમાં ગામી પરેશભાઈનો સમાવેશ થયો.
આ પ્રસંગે તમામે સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારત નિર્માણનો સામૂહિક શપથ લીધો. કાર્યક્રમ અને સ્પર્ધાઓનું આયોજન પ્રિયાબેન, આરતીબા અને કલ્પનાબેન દ્વારા કરવામાં આવ્યું, જયારે વ્યવસ્થાપ્રદીપસિંહ સંભાળ્યા. સંપૂર્ણ કાર્યક્રમ આચાર્ય ડૉ. રાજા આયરના પ્રેરક ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ