

પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામ ખાતે આવેલી રામકુંવરબેન એન્ડ રણછોડદાસ લાલજી ઠક્કરાર હાઈસ્કુલમાં એક વિશેષ 'સ્વચ્છતા અભિયાન' દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ સરદાર સાહેબના રાષ્ટ્રનિર્માણ અને સ્વચ્છતા પ્રત્યેના આગ્રહને યાદ કરીને યોજાયો હતો. શાળાના 51 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લીધો હતો અને શાળાના વર્ગખંડો તેમજ શાળા પ્રાંગણ સહિતની સમગ્ર જગ્યાઓની ઝીણવટપૂર્વક સફાઈ કરી હતી.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના મૂલ્યોને આત્મસાત કર્યા હતા અને રાષ્ટ્રસેવા માટે સંકલ્પ લીધો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકગણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છતાના મહત્વ વિશે માર્ગદર્શન આપીને સરદાર પટેલના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya