
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માત્ર વરસાદ આધારિત અને સૂકી ખેતી ધરાવતા ગામોના કૃષિક્ષેત્રને સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી આજથી 25 વર્ષ પહેલા તારાણા ગામ પાસેના આજી-4 ડેમ આધારિત કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી પરંતુ હાલ મૃતપાય પડેલી 20 કિ.મી.લાંબી કેનાલને ફરી જીવંત કરીને સિંચાઈનું પાણી પુરૂ પાડવા ખેડૂત વર્ગમાંથી માગણી ઉઠી છે. કેનાલના નિર્માણથી આજદિવસ સુધીમાં ખેડૂતોએ આ કેનાલમાં કદી સિંચાઈના વહેતા જળને જોયું નથી.
ઉપરોકત બાબતે જોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, જામનગર જિ.પં. સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કિસાન અગ્રણી મોહનભાઈ પાંચાભાઈ પરમારે રાજયના કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે જોડિયા તાલુકો માત્ર વરસાદ આધારિત સૂકી ખેતી ધરાવતો બિનપિયત કૃષિ વિસ્તાર છે.
આજથી અઢી દાયકા પહેલા આજી નદીના જમણા કાંઠાના તારાણા-શામપર-માધાપર, જામદુધઈ, ભીમકરા, માણામોરા, કાઠારિયા વિગેરે ગામોના કૃષિક્ષેત્રોને સિંચાઈનું પાણી મળી રહે તેવા આશયથી સરકાર દ્વારા આજી-4 ડેમ આધારિત 20 કિ.મી.લાંબી સિમેન્ટ-કોક્રીટથી પાકી કેનાલનું નિમણ કરવામાં આવ્યું હતું.
પરંતુ પ્રારંભકાળથી જ આ યોજનાનું બાળમરણ થઈ જવા પામ્યું હતું. આશ્વર્યજનક બાબત એ છે કે કેનાલના નિર્માણથી આજ દિવસ સુધી કોઈ ખેડૂતે આ કેનાલમાં કદી સિંચાઈના વહેતા પાણીના દર્શન કર્યા નથી, કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ કેનાલમાં એકવખત પણ પાણી છોડાયું નથી. આ કેનાલ મૃતપાય અવસ્થામાં પડેલી છે. કેનાલમાં મોટેભાગે ગાંડાબાવળ ઊથી નીકળ્યા છે. જયારે અમુક ભાગો પૂરપ્રવાહને કારણે સંપુર્ણ નષ્ટ પામ્યા છે તો અમુક ભાગોમાં કેનાલ માટીથી બુરાઈ જવા પામી છે.
જોડિયા તાલુકાના સેંકો હેકટર કૃષિક્ષેત્રને લાભકારી આ યોજના સાર્થક થઈ શકી નથી.હાલ આજી-4 ડેમ 19 મીટરની સપાટીએ સંપુર્ણ ભરેલો છે તેમ છતાંય છતે પાણીએ સિંચાઈ સુવિધાનો લાભ મળતો નથી. ખેડૂતોને સીચાઈનું પાણી કેનાલમાં મળે તો ખૂબ સારું વધુ ઉત્પાદન મળેવી શકાય તેવો સુર ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt