
સુરત, 19 નવેમ્બર (હિ.સ.) : શહેરના વરાછા, મીનીબજારમાં આવેલ સાઈન લેબ ડાયમંડના માલીક પાસેથી સતાણી બંધુઓએ હીરાનો માલ દલાલીથી વેચાણ કરવા માટે લીધા બાદ રૂપિયા 13.45 લાખનું પેમેન્ટ નહી ચુકવી ચુનો ચોપડતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્રાણ, મોટા વરાછા, એ.બી.સી.સર્કલ પાસે,આંગન રેસીડેન્સીમાં રહેતા અને હીરા મેન્યુફેચરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા 32 વર્ષીય પિયુષ લવજીભાઈ પાલડીયા મીનીબજાર, સાધના સોસાયટી પાછળ,કૂષ્ણકુંજ સોસાયટીમાં સાઈન લેબ ડાયમંડના નામથી ઓફિસ ધરાવે છે. પિયુષભાઈ પાસેથી 9 મે 2025ના રોજ નિકુંજ રમેશ સતાણી અને તેનો ભાઈ જયદીપ રમેશ સતાણી (રહે,અંબિકા હાઈટ્સ,પાસોદરા કેનાલ રોડ,વાવ)એ રૂપિયા 17,04,384 ના મત્તાના હીરાના ત્રણ પેકેટ દલાલીથી વેચાણ કરવા માટે લીધા હતા. જેમાંથી રૂપિયા 3,58,555 ચૂકવ્યા હતા. ત્યારબાદ બાકીના લેવાના નિકળતા રૂપિયા 13,45,839 ની અવાર નવાર માંગણી કરવા છતાંયે કોઈના કોઈ બહાના કાઢી પેમેન્ટ નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. આખરે બનાવ અંગે પિયુષભાઈએ ફરિયાદ નોધાવતા વરાછા પોલીસે સતાણી બંધુઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે