
અમરેલી, 19 નવેમ્બર (હિ.સ.) : રાજુલા શહેરમાં વેપારી સાથે થયેલી ચાર લાખ રૂપિયાની છેતરપિંડીનો ભેદ રાજુલા પોલીસએ ઝડપી ઉકેલી લીધો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરિજનલ સોનુ બતાવી ડુપ્લિકેટ સોનુ વેચીને લોકોને છેતરતી ગેંગને પકડવા પોલીસે ખાસ ટીમ બનાવી હતી. સર્વેલન્સ ટીમે સીસીટીવી ફૂટેજના આધારે અલગ–અલગ દિશામાં તપાસ ચલાવી અને ગુનાહીતોને ઓળખ્યા હતા.
પોલીસે તાત્કાલિક એક્શન લઈ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ઓટોરિક્ષા, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.4,52,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યું કે તેમણે અગાઉ પણ અનેક શહેરોમાં આવી જ રીતની છેતરપિંડી આચરી છે.
રાજુલા પોલીસના ઝડપી પગલાં અને ટેકનોલોજી આધારિત તપાસથી વેપારીઓ અને શહેરજનોમાં રાહતનો મહોલ જોવા મળ્યો છે. પોલીસ તરફથી વધુ તપાસ ચાલુ છે અને સંકળાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ પણ હાથ ધરાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai