ગઢડાના ખિલાવડ ખાતેથી 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ
સોમનાથ 19 નવેમ્બર (હિ.સ.) ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન ''સરદાર@150 યુનિટી માર્ચ'' અંતર્ગત આજે ગીર ગઢડાના ખિલાવડ ખાતેથી 97-ઉના વિધાનસભા મતવિસ્તારની ભવ્ય પદયાત્રા
ગીર ગઢડાના ખિલાવડ ખાતેથી


સોમનાથ 19 નવેમ્બર (હિ.સ.) ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત આજે ગીર ગઢડાના ખિલાવડ ખાતેથી 97-ઉના વિધાનસભા મતવિસ્તારની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રનિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

પદયાત્રાનો પ્રારંભ ખિલાવડ ગામ ખાતેથી કરવામાં આવ્યો હતો. જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ દ્રોણ ખાતે કરવામાં આવી હતી. પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વની સૌથી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્ર હિત સર્વપરી રહે તે માટે મહેનત કરવી પડશે. આથી મહામાનવોનું જે કાર્ય છે તેને યાદ કરી તેના રસ્તે ચાલીએ અને જેમણે રાષ્ટ્રની એકતા માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી આજે આ કાર્યક્રમ થકી સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર સાહેબે જે રસ્તો બતાવ્યો છે. જે કેડી કંડારી છે. તે રસ્તા પર ચાલવાની મહેનત કરશું તો આવનારા સમયમાં શિરમોર રહેશુ. આવનારી પેઢીને વારસામાં આપવા માટેની ચિંતા કરવી પડશે નહીં. સરદાર સાહેબના મૂલ્યો સમગ્ર વિશ્વના જનમાનસ ઉપર ટકી રહ્યા છે તેની સ્મૃતિ આપણા પર વેગવંતી બને તેવા પ્રયત્નો રૂપે રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાહ્યાભાઈ, અગ્રણી મહેન્દ્ર પીઠીયા, નરેશભાઈ, ધીરુભાઈ, ઉના, ગીર ગઢડાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ અને દ્રોણેશ્વર ગુરુકુળના સંતો ઉપસ્થિત રહ્યાં હતાં અને સૌએ એકતા શપથ લીધા હતા.

સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો.પદયાત્રા પૂર્વે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

97 ઉના વિધાનસભા મતવિસ્તારના ખિલાવડ ખાતેથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને આ પદયાત્રા ઇટવાય, ફાટસર થઈ દ્રોણેશ્વર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande