
સોમનાથ,19 નવેમ્બર (હિ.સ.) 'પ્રજા અને પૃથ્વી માટે આયુર્વેદ' ના ધ્યેયમંત્ર સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના સહયોગથી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આયુર્વેદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાચી ખાતે યોજાયેલા આ આયૂષ મેળામાં સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અરસી ચાવડા, આયુર્વેદ અધિકારી રાજુ ઓઠા, સિનિયર મેડિકલ ઓફિસર ડો.વિજયસિંહ ગોહિલ, અગ્રણી ભરત પરમાર સહિતના ઉપસ્થિત રહી આયુર્વેદ સ્ટોલની મુલાકાત લઇ લોકોને આપણા પારંપરિક ઔષધ એવા આયુર્વેદની જાણકારી મેળવવા અને સારવાર લેવા જણાવ્યું હતું.પ્રાચી ખાતેના કારડિયા સમાજની વાડી, માધવરાય મંદિર પાસે આયુષ મેળોમાં વિવિધ 12 પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યાં હતાં. જેમાં પંચ કર્મ, અગ્નિ કર્મ ચિકિત્સા, સુવર્ણપ્રાશન, યોગ, રસોડાની ઔષધિઓ, આયુર્વેદ વાનગી, હોમિયોપેથી અને આયુર્વેદ ઓપીડી અને વિનામૂલ્યે દવા વિતરણ વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં.
આયુર્વેદમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રભાસ પાટણ આયુષ હોસ્પિટલના ડો. નિલમ વાળા અને હોમિયોપેથીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ડારી હોસ્પિટલના ડો. સ્વાતિબેન સોલંકીને મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતાં.આ આયુષ મેળામાં ૭થી વધુ સ્કુલના બાળકોએ લાભ લીધો હતો અને આયુર્વેદ વિશે જાણકારી મેળવી હતી.
આ આયૂષ મેળામાં પંચકર્મની વિવિધ સારવાર અંગેની સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. તેમજ, જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા આપવામાં આવ્યાં હતાં.આ આયુષ મેળામાં પ્રાચી અને વિવિધ ગામડાઓમાંથી સારવાર લેવા આવેલા દર્દીઓને આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા નાડી તથા પ્રકૃતિ પરિક્ષણ કરી યોગ્ય સારવાર સાથે જરૂરી દવા આપવામાં આવી હતી. રસોડાની ઔષધિઓ અને આ ઔષધિઓમાંથી બનતી વિવિધ વાનગીઓનું પ્રદર્શન મહેમાનોએ નિહાળ્યું હતું. આયુષ મેળામાં પ્રાચી અને તેની આસપાસના લોકો મોટી સંખ્યામાં આયુર્વેદ તપાસ કરવા માટે આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ