જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુરના ધારાસભ્યે ઉઠાવ્યા અનેક સવાલ
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) જામનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં જામજોધપુર ના ધારાસભ્ય હેમંત ખવા એ જુદા જુદા વિભાગના લોકહિતના પ્રશ્નો ઉઠાવી તંત્રને આડે હાથ લીધું હતું. જામનગર જીલ્લામાં અનેક ગામોમાં કલેક્ટર દ્વારા પવનચક્કી અ
ધારાસભ્ય હેમંત ખવા


જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) જામનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલનની બેઠક યોજાઇ હતી. જેમાં જામજોધપુર ના ધારાસભ્ય હેમંત ખવા એ જુદા જુદા વિભાગના લોકહિતના પ્રશ્નો ઉઠાવી તંત્રને આડે હાથ લીધું હતું.

જામનગર જીલ્લામાં અનેક ગામોમાં કલેક્ટર દ્વારા પવનચક્કી અને પવનચક્કીની ઇલેક્ટ્રીક લાઈનો ઉભી કરવા માટે જુદી જુદી કંપનીઓને જમીન કાળવવામાં આવી છે. આ જમીનોમાં કંપનીઓ દ્વારા તેને ફાળવેલ જગ્યાને બદલે અન્ય જગ્યા ઉપર દાદાગીરીથી ખેડૂતોને ડરાવી કામ કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ પણ કંપનીનો સાથે આપી રહી છે તેવા આક્ષેપ સાથે હેમંત ખવાએ અધ્યક્ષ તથા પોલીસ અધિક્ષકને ઉગ્ર રજૂઆત કરી હતી.

આવા અમુક કિસ્સાઓના ઉદાહરણ આપી હેમંત ખવાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સાથે રાખી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હમેશા કંપનીઓને છાવરવાનું જ વલણ દાખવવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે સરકારી ખરાબી છે એ સરકારની માલિકીનો હોય છે પરંતુ કંપનીને ફાળવેલ જગ્યાને બદલે અન્ય જગ્યાએ ખેડૂતોને કનડગત થાય તે રીતે પોલીસ પ્રોટેકશન આપતા પહેલા મહેસુલ વિભાગ સાથે ખરાઈ કરવામાં આવે કે કંપની જ્યાં કામ કરી રહી છે.

તે જ જગ્યા તેને ફાળવેલ છે ને જો કંપની તેને ફાળવેલ જગ્યા ના બદલે અન્ય જગ્યાએ કામ કરી રહી હોય તેવા કિસ્સામાં પોલીસ પ્રોટેકશન ના આપવું. તેમજ આવા કિસ્સામાં તપાસ કરાવી તે કામ બંધ કરાવવું. વધુમાં જે કંપનીઓ વીજ લાઈનના કામો કરી રહી છે તેવા કિસ્સાઓમાં ખેડૂતોને જંત્રી મુજબ વળતર ચુકવવામાં આવે છે.

જો કોઈ ખેડૂત આ વળતર થી સહમત ના હોય તો પરિપત્રની જોગવાઈ મુજબ જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં આ જમીનનું મૂલ્યાંકન કરી તેમાં નક્કી થયેલા બજાર ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર ચુકવવા રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને સત્તા આપવામાં આવેલ છે આમ આ પરિપત્ર ની જોગવાઈ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવા માટે હેમંત ખવાએ અધ્યક્ષને રજુઆત કરી હતી.

લાલપુર તાલુકાનાં વાવડી ગામના ગૌચરના મુદે હેમંત ખવા તંત્ર પર વરસ્યા હતા. તેઓએ કહ્યું હતું કે વાવડી ગામે 2017 થી ગૌચર ની જમીન મેળવવા માટે માંગણી કરી છે તેમ છતાં તંત્ર દ્વારા તે અરજી અન્વયે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. નિયમાનુસાર વહેલા તે પહેલા ના ધોરણે જેની જમીન માંગણીની અરજી પહેલા આવી હોય તેને જ જમીન મળે તો તંત્ર શા માટે ખાનગી કંપનીનું ઉપરાણું લઈને તેને જમીન મળે તે દિશામાં કામગીરી કરે છે.

હેમંત ખવાએ તંત્રને સ્પષ્ટ જણાવી દીધું હતું કે જ્યાં સુધી વાવડી ગ્રામ પંચાયત દ્રારા ગૌચરની જમીન માટે કરેલ માંગણી નો નિકાલ ના થાય ત્યાં સુધી કોઈપણ ખાનગી કંપનીને જમીન ફાળવવા ની કામગીરી પણ ઊભી રાખી દો. ફોરેસ્ટ ક્લીયરન્સના કારણે પડતર રહેલા રસ્તાઓ અનુક્રમે ઘુનડા થી ટેભડા, લાલવાડાનેશ થી ઉદેપુર સતાપર રોડ, લાલપુર થી ખટિયા રોડ, ખટિયા થી કાલાવડ રોડ અને મોટી ભરડ થી ભરડકી રોડ અંગે પ્રશ્ન રજૂ કરી બાંધકામ અને ફોરેસ્ટ વિભાગને સંકલનમાં રહી આ રસ્તાઓના કામ જલ્દી પૂરા થાય તે માટે સૂચનાઓ આપી હતી.

સૌની યોજનાના નવા વાલ્વ મૂકવા માટેનો પ્રશ્ન રજૂ કરી હેમંત ખવાએ સિંચાઇ વિભાગના અધિકારીઓએ તેમજ અધ્યક્ષ સાથે ચર્ચા કરી હતી. જેમાં ઘણા ગામના તળાવો ગૌચરમાં આવેલા છે જેના લીધે ત્યાં હાલના પરિપત્ર મુજબ નયમાનુસાર સૌની યોજનાનુ કામ થઈ ના શકે આથી હેમંત ખવાએ આવા તળાવોને ગૌચરવાથી તળાવમાં નિત્ય કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા તમને રજુઆત કરવામાં આવી હતી.

ડી.એમ.એફ અંતર્ગત ફાળવવામાં આવેલ ગ્રાન્ટ બાબતે હેમત ખવાએ તંત્રને રપષ્ટ જણાવી દીધું હતું કે ખાણ ખનીજ વિભાગ આ કામગીરી કરવા જ માંગની ના હોય તેવું લાગી રહ્યું છે. આ ગ્રાન્ટ ફળવાય ગઇ તેને એક વર્ષ જેટલો સમય થઈ ગયો તેમ છતાં મોટાભાગના કામો હજુ ચાલુ જ નથી થયા.

જામજોધપુર-લાલપુર તાલુકામાં રાસાયણિક ખાતર વિક્રેતાઓ પાસ ખાતરનો જથ્થો કેટલો છે તે અંગેના બોર્ડ નિભાવાય છે કે નહીં તેવો પ્રશ્ન રજૂ કરી ખેતીવાડી અધિકારીને સમયાંતરે કેન્દ્રની વિઝિટ કરવા તેમજ ખેડૂતોને ખાતરની સાથે નેનો યુરિયાની જેમ અન્ય પ્રોડક્ટ ફરજિયાતપણે ના આપવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવા પણ સૂચના આપી હતી.

પીજીવીસીએલ અને જેટકો વિભાગને લગતા પ્રશ્નમાં હેમંત ખવાએ તંત્રને બબઝર એસ.એસ.માં તાત્કાલિક સ્વીચો બદલવા સૂચના આપી હતી તેમજ થોડા દિવસો પહેલા સમાણા સબ ડિવિઝન ના પ્રશ્નોને લઈ કરવામાં આવેલ બેઠક અંગે રિવ્યુ લેતા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમાં થર્ચા થયા મુજબ ઘણા પ્રશ્નોનો નિકાલ થયો છે અને બાકી રહેલા પશ્નોનો પણ જલ્દી નિકાલ થશે તેવી અધિકારીઓએ ખાતરી આપી હતી. આમ આ બેઠકમાં પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નો રજૂ કરી હેમંત ખવા જુદા જુદા વિભાગના અધિકારીઓને ઉપરોક્ત પ્રશ્નોનાં તાત્કાલિક નિવારણ માટે સૂચનાઓ આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande