જામનગરની વિદ્યાર્થીની સોનલ ડેરે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધામાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા યુવા લેખકો માટે 1971 થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે 9 થી 15 વર્ષના યુવા લેખકોને ચોક્કસ થીમ પર પત્ર લેખન માટે પ્રોત્સાહિત કરે છે, આ સ્પર્ધા યુવાનો
આંતરરાષ્ટ્રીય પત્ર લેખન


જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા યુવા લેખકો માટે 1971 થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે 9 થી 15 વર્ષના યુવા લેખકોને ચોક્કસ થીમ પર પત્ર લેખન માટે પ્રોત્સાહિત કરે છે, આ સ્પર્ધા યુવાનોને સમાજમાં ટપાલ સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકાથી પરિચિત કરવાનો ઉત્તમ માર્ગ છે. જે તેમની લેખન માટેની વૈચારિક ક્ષમતા, રચનાત્મક વિચારો અને તેમના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની ક્ષમતા વિકસાવે છે.

આ વર્ષે 54માં આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા-2025 ની થીમ 'કલ્પના કરો કે તમે સમુદ્ર છો, તમે કોઈને પત્ર લખો અને સમજાવો કે લોકોએ તમારી સારી સંભાળ કેમ અને કેવી રીતે રાખવી જોઈએ' નક્કી કરવામાં આવેલ હતી. જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એન્ટ્રીઓ આવેલ હતી. જેમાં એરફોર્સ સ્કૂલ, જામનગરની વિદ્યાર્થીની કું.સોનલ આર. ડેર ઉંમર વર્ષ 14એ ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

જેના અનુસંધાને અભિજીત સિંહ, અધિક્ષક, જામનગર ટપાલ મંડળ તેમજ ઉમેશચંદ્ર પંડિત, આચાર્ય, એર ફોર્સ સ્કૂલ, જામનગર દ્વારા એર ફોર્સ સ્કૂલ, જામનગર ખાતે સન્માન સમારોહનું આયોજન કરી રૂ.10,000 નો ચેક તેમજ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતું.

આ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તેમજ સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તર ના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ. 50,000, રૂ. 25,000 અને રૂ.10,000 સાથે સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવે છે. જ્યારે રાજ્ય સ્તરના પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ.25,000, રૂ. 10,000 અને રૂ. 5,000 સાથે સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande