
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) પાટણના નવા બસ સ્ટેશનમાં થયેલી સોનાના દોરાની ચોરીનો ભેદ LCBએ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો હતો. પોલીસે પાલનપુરના એક શખ્સ સલાટ સાજીદ સાલેમહમદને ઝડપી પાડી તેની પાસેથી સોનાનો દોરો, મોબાઈલ અને ગુનામાં વપરાયેલી કાર મળી કુલ રૂ. 4,48,295નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
15/11/2025ના રોજ નવસારીની રંજનબેન ઠક્કર બસમાં ચઢતી વખતે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમએ તેમના ગળામાંથી બે તોલા વજનનો રૂ. 1,20,000ની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો. આ અંગે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને ગંભીરતાથી લઈ LCBને તપાસ સોંપવામાં આવી હતી.
નેત્રમ પ્રોજેક્ટના CCTV ફૂટેજ ચકાસતા બસ સ્ટેશનમાં ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ ઝડપાઈ હતી. વધુ તપાસમાં બાતમી મળી કે ગુનામાં સંડોવાયેલ વ્યક્તિ ગ્રે કલરની i-10 કાર સાથે સિદ્ધપુર પાસે તિરુપતિ માર્કેટ નજીક ઊભો છે. પોલીસે વોચ ગોઠવી સાજીદને ઝડપી પાડ્યો હતો, જેને પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી હતી.
સાજીદે જણાવ્યું કે તે તેના સાગરીતો સહેજાદ શેખ અને લીટ્ટુ ખલીફા સાથે મળીને બસ સ્ટેશન પર મહિલાઓને નિશાન બનાવી ભીડનો લાભ લઈ કટર વડે સોનાના દોરા કાપી ચોરી કરતા હતા. હાલ સાજીદને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ