
સુરત/અમદાવાદ,19 નવેમ્બર (હિ.સ.) અખિલ ભારતીય સાહિત્ય પરિષદ- નવી દિલ્હીનું ત્રિ દિવસીય રાષ્ટ્રીય અધિવેશન મધ્યપ્રદેશના રીવા શહેરમાં કૃષ્ણા રાજકપુર સભાગૃહમાં યોજાયુ હતું, જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના મહાનુભાવો ઉદ્દઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમાપન સત્રમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ સાથે જોડાયેલા અતુલ લીમયે, શ્રીધર પરાડકર અને મનોજકુમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં સમગ્ર રાષ્ટ્રમાંથી 1000 થી પણ વધારે સાહિત્યકારો, ભાવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અધિવેશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતના ગુજરાતી વિભાગના સહાયક અધ્યાપક ડો.ભરત ઠાકોરની અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય મંત્રીપદે વરણી કરવામાં આવી હતી. વર્તમાનમાં તેઓ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ગુજરાત પ્રદેશના મહામંત્રી પદે કાર્યરત રહી અખિલ ભારતીય સાહિત્ય પરિષદના જુદા જુદા હેતુઓ અને કાર્યોને પાર પાડવાનું સફળ કાર્ય કરી રહ્યા છે.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદની સ્થાપના કેટલાક વિચારકો અને બૌદ્ધિકોએ 27 ઓક્ટોબર, 1966ના રોજ ભારતીય ભાષાઓ માટે એક સાહિત્યિક મંચ રૂપે કરી હતી. પ્રખ્યાત નવલકથાકાર અને માનવ મનના નોંધપાત્ર ચિત્રકાર જૈનેન્દ્ર કુમાર તેના પ્રથમ પ્રમુખ નિયુક્ત થયા હતા. આ પરિષદ એ દેશની એકમાત્ર બિન-સરકારી સાહિત્યિક સંસ્થા છે, જે બધી ભારતીય ભાષાઓના સાહિત્ય અને લેખકો માટે એકસાથે કાર્ય કરે છે. પરિષદ ફક્ત લેખકોનું જ નહીં, પરંતુ પ્રકાશકો, વાચકો, સાહિત્ય પ્રેમીઓ અને બૌદ્ધિકોનું પણ સંગઠન છે. આ સંગઠન સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા, માનવ લાગણીઓનું નિર્માણ, સમાજ સમક્ષ જીવનનો સાર રજૂ કરવો, સર્વ ભારતીય ભાષાઓમાં સંકલન વધારવા માટે સેમિનાર, કાવ્ય પરિષદો, સાહિત્યિક ચર્ચાઓ, ભાષા શ્રેણી, તેમજ કાર્યશાળાઓ અને અભ્યાસ વર્ગો યોજવા, આધુનિક અને પ્રાચીન સાહિત્ય પર સંશોધન માટે સંશોધન કેન્દ્રોની સ્થાપના, પુસ્તકો, સંશોધન પત્રો અને જર્નલોનું પ્રકાશન, સાહિત્યિક વ્યક્તિઓને પુરસ્કાર આપવા વગેરે ઉદ્દેશો સાથે કાર્ય કરે છે. આ સંગઠનના કાર્યોમાં સર્જનાત્મક, ચિંતનશીલ, સંગઠનાત્મક અને સંશોધન કાર્ય વગેરેનો સમાવેશ થાય છે.
આ અધિવેશનમાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને તેમાં કેન્દ્ર અને રાજ્યોની સરકાર અમલ કરે તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થતી સામગ્રીનું યોગ્ય નિયંત્રણ કરવું, ડિજિટલ માધ્યમો પર પ્રસારિત થતી સામગ્રીમાં ભારતની બંધારણીય ગરીમા સચવાય, ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિના સંવર્ધન માટે વૈકલ્પિક માધ્યમો વિકસે એવું આયોજન કરવું, યુવાનો માટે આયુષ્ય આધારિત નિયંત્રણ તંત્ર વિકસાવું અને જે મંચ અશ્લીલતા વગેરેનું પ્રસારણ કરે તેમની સામે કઠોર કાયદાકીય કાર્યવાહી કરવા જેવા મુદ્દે માંગ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ