


ગોધરા, 19 નવેમ્બર (હિ.સ.) સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત કાલોલ વિધાનસભા વિસ્તારમાં ભવ્ય પદયાત્રા યોજાઈ. પદાધિકારી, અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ પદયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત કાલોલ વિધાનસભાની પદયાત્રા લોકસભા સાંસદ, ધારાસભ્ય ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ પદયાત્રા કાલોલની દેલોલ હાઇસ્કુલથી શરૂ કરીને રામનાથ ચોકડી થઈ કંડાચ ચોકડી થઈ ઉતરેડીયા ચોકડી થઈ રાબોડ ગ્રામ પંચાયત પર જઈ પૂર્ણ જાહેર કરાઈ હતી.
આ પદયાત્રા પ્રસંગે પ્રારંભમાં સાંસદ રાજપાલસિંહ જાદવે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલે દેશ માટે જે બલિદાન આપ્યું છે તે અમૂલ્ય છે. સરદાર પટેલે બ્રિટિશ શાસનની ખોટી મહેસૂલ નીતિ સામે બારડોલી સત્યાગ્રહ દ્વારા ખેડૂત આંદોલનમાં સફળતા મેળવી, જેનાથી ગાંધીજીએ તેમને 'દેશના સરદાર'નું બિરુદ આપ્યું હતુ. આવનારી પેઢીમાં એકતાનો સંદેશ જીવંત રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું નિર્માણ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. અંતે, તેમણે એકતાના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે સૌને પદયાત્રામાં સંપૂર્ણપણે જોડાવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું હતું અને દેશને એક મંચ પર લાવવા માટે ૫૬૨ રજવાડાઓને મનાવવામાં સરદાર પટેલનો મોટો ફાળો હતો તેમ જણાવી, સરદાર પટેલને મળેલ 'લોખંડી પુરુષ'ની ઓળખાણ વિશે જાણકારી આપી હતી. વધુમાં તેમણે સરદાર પટેલે સત્તા માટે નહિ પણ દેશહિતમાં અને અખંડ ભારત માટે અનેક કાર્યો કર્યા છે જેના માટે આજે આપણે સૌ તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેમ ઉમેર્યુ હતુ.
યુનિટી માર્ચના પ્રારંભે મુખ્ય વક્તા યોગેશભાઈએ સરદાર પટેલની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત 'સરદાર@150 યુનિટીમાર્ચ' અન્વયે કાલોલ વિધાનસભાની પદયાત્રા પ્રારંભે જણાવ્યું કે સરદાર પટેલ કોઈ સમાજના નહિ પણ તમામ સમાજના નેતા હતા, જેમણે દેશને એક કરવાની જવાબદારી નિભાવી હતી. ગાંધીજીના સંપર્કમાં આવી આઝાદીની ચળવળમાં જોડાયા બાદ, બારડોલી સત્યાગ્રહ પછી તેમને 'સરદાર'નું બિરુદ મળ્યું હતુ. તેમણે ૫૬૨ રજવાડાઓનું ભારતમાં એકત્રીકરણ કરીને ભારતને અખંડિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપ્યુ હતું તેમ તેમણે જણાવ્યુ હતુ.
પદયાત્રાના પ્રસંગે શરૂઆતમાં દેલોલ હાઈસ્કૂલના પટાંગણમાં હાજર તમામ મહાનુભાવોએ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કર્યું અને સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી, મહાનુભાવો દ્વારા પદયાત્રાને આગળ વધારવામાં આવી હતી. આ માર્ચમાં, મહાનુભાવો વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓ સાથે મળીને મુખ્ય વિસ્તારોમાંથી પસાર થયા હતા અને રાષ્ટ્રના ઉત્થાન માટે એકતા, સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણની સામૂહિક જવાબદારીના મહત્વપૂર્ણ સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો. આ પ્રસંગે શરૂઆતમાં મહાનુભાવો અને નગરજનોએ સ્વદેશી શપથ લીધા હતા, જ્યારે પદયાત્રાના સમાપન સમારોહમાં સૌએ એકસાથે નશા મુક્ત ભારત અભિયાનની પ્રતિજ્ઞા લઈને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ