

ગાંધીનગર, 19 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં યુનિટી માર્ચ પદયાત્રા નારદીપુર, મોખાસણ, ભાદોલ તથા ધરાસણા ગામના ૮ કિલોમીટર જેટલા રૂટ પર નિકળતા, વિવિધ સંસ્થાઓ,સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે જ દરેક ગામમાં સરદાર પટેલના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ભારતના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત કલોલ ખાતે પૂર્વ મંત્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિતિમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી. કલોલ નારદીપુર સરદાર ચોકથી શરૂ થયેલ ૮ કિલોમીટરની પદયાત્રા ધમાસણ સરદાર ચોક ખાતે સમાપન થઈ હતી. આ પદયાત્રા ના રૂટ પર ઠેર ઠેર વિવિધ સમાજ, સંસ્થાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રાની શરૂઆત શ્રી સરદાર પટેલની પ્રતિમાને મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ તથા સુતરની આંટી અર્પણ કરવા સાથે, સરદાર પટેલના આશીર્વાદ લેવા સાથે કરવામાં આવી હતી. આ પદયાત્રાની શરૂઆતમાં કુમારીકાઓ દ્વારા ભવ્ય સામૈયુ પણ કરવામાં આવ્યું હતું,ડી.જે પર દેશભક્તિના ગીતો અને ઢોલ નગારાના તાલથી સમગ્ર પદયાત્રાનું વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ શાળાના બાળકોએ સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, ઝાંસીની રાણી, ગાંધીજી, મંગલ પાંડે જેવા વીર વિરાંગનાઓની વેશભૂષા અને તિરંગાને સ્વમાનભેર હાથમાં રાખી લોકોને હૃદયમાં દેશભક્તિ અવિરત રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.ઉલ્લેખનિય છે કે,આ અવસરે ઉપસ્થિત સૌએ સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી અપનાવવા શપથગ્રહણ પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખ અનિલભાઈ પટેલ , જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ સહિત કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ શકરાજી ઠાકોર, નારદીપુર સરપંચ રત્નાબેન ઠાકોર દ્વારા લીલી ઝંડી આપી પદયાત્રાની વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અવસરે ઉપસ્થિત પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિત સૌને, આટલી મોટી સંખ્યામાં સરદાર યાત્રામાં જોડાવા બદલ અભિનંદન પાઠવતા, સાંસ્કૃતિક કાર્યક્રમોના કલાકારોને પણ બિરદાવ્યા હતા. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આજે અહીં ઉપસ્થિત આપણે સૌ નસીબદાર છે કે, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન ત્રિવેણી સંગમ જોયો છે, આ વર્ષે આપણા રાષ્ટ્રગીત 'વંદે માતરમ' ને 150 વર્ષ પૂર્ણ થયા છે, દેશ માટે બલિદાન આપનાર 'ભગવાન બિરસામુંડા'ની પણ 150 મી જયંતિ આપણે ઉજવી રહ્યા છે, અને 'સરદાર પટેલ સાહેબની' પણ 150 મી જયંતિની આપણે ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. આ ઉપરાંત પણ આપણી હયાતીમાં આપણે રામ મંદિર નિર્માણ, 370 કલમ દૂર કરવા જેવા દેશનું ગૌરવ વધારતા કાર્યો નિહાળ્યા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ બંને કાર્યો ગાંધીનગર અને ગુજરાત માટે તો ખૂબ જ ખાસ છે કારણ કે, આપણા ગુજરાતના બે પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ ઐતિહાસિક ચુકાદા થયા છે.
આ તકે તેમણે સરદાર પટેલની વાત કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલ ખેડૂત તરીકે, શિક્ષક તરીકે, શિસ્ત બદ્ધ વ્યક્તિત્વ તરીકે વિવિધ ગુણો ધરાવતા નેતા હતા.
સરદાર પટેલ અને વડાપ્રધાન બંનેમાં ઘણી સામ્યતા હોવાનું જણાવતાં, પૂર્વ મંત્રી એ ઉમેર્યું હતું કે, એકે આઝાદી અપાવી તો એકે દેશને આબાદ બનાવ્યો, સરદાર અને વડાપ્રધાન બંને મહિલા સશક્તિકરણના કાર્યોને સમર્પિત રહ્યા છે. સારો વહીવટ કેવી રીતે ચાલે, તે પણ બંનેની શાસન ધૂરા અને નેતૃત્વમાં પુરવાર થયું છે. ખેતી માટે અને ખેડૂતો માટે પણ બંને સમર્પિત રહ્યા એકે કૃષિ આંદોલનો થકી ખેડૂતોના હિતમા કાર્યો કર્યા અને બીજાએ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને નવી રાહ આપી.
દેશ હિતમાં સરદારે જે બીજ રોપ્યા હતા, તે ફલિત થતા એના વૃક્ષોનો છાયડો વિકાસના રૂપમાં આજે આપણે ભોગવી રહ્યા છે, તેમ જણાવતા શ્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ઉમેર્યું હતું કે, સૌથી અઘરું કામ જે તે સમયે રજવાડાઓને ભેગું કરવાનું હતું, અખંડ ભારતની રચના કરવાનું હતું, જેને પોતાની કુનેહ, કુશળતા અને સમજદારીથી સરદાર સાહેબે પૂર્ણ કર્યું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,સરદાર કેવા હતા? કોણ હતા? તે આપણે સૌએ ઇતિહાસમાં વાંચ્યું, ભણ્યું, ભણાવ્યું,જે કેટલાકે યાદ રાખ્યું તો કેટલાક ભુલી ગયા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ કરાવી નવી પેઢી માટે સરદારના જીવન પ્રસંગોને અને સરદારને હંમેશા લોકોની પ્રેરણા બનાવી દીધા. અને આ મહામાનવ આજે દરેક જન હૃદયમાં પોતીકા સરદાર તરીકે બિરાજમાન છે.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પક્ષ પ્રમુખ અનિલભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરવા સાથે, સરદાર પટેલને વંદન કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આમ જેમના વ્યક્તિત્વ સામે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશાળ પ્રતિમા પણ નાની લાગે તેવા વિરાટ પ્રતિભા ધરાવતા સરદાર પટેલની કલોલ તાલુકાના નારદીપુર થી શરૂ થયેલી, ભવ્ય પદયાત્રા દેશભક્તિના વિવિધ રંગો સાથે જન જનના હૃદયમાં, સરદારના વિચારોનું બીજ રોપતા ધમાસણ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
આ યાત્રામાં મહાનુભાવો ઉપરાંત રૂટમાં આવતા દરેક ગામોના સરપંચઓ,કલોલના નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ, એન.સી.સી કેસેટ્સ સહિત તાલુકા પંચાયતના સભ્યો તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ