
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘યુનિટી માર્ચ’ અંબાજી નેળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે સ્થાનિક મહિલાઓએ ભાજપના નેતાઓનો ઘેરાવ કર્યો હતો. વોર્ડ નંબર 11ના રહીશો વિકાસના કામો ન થતા નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરો ને અન્ય આગેવાનો સામે ઉગ્ર વિરોધ પર ઉતર્યાં હતા.
માહી સોસાયટી, એપોલોનગર, સોપાન હોમ્સ, સોપાન એલિગન્સ, દીયાંના પ્રાઇમ અને મુનિમજી સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘણા સમયથી વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ચાલી રહી છે. મહિલાઓએ જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકામાં રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
રહીશોના જણાવ્યા અનુસાર, નગરપાલિકા પ્રમુખે ચોમાસું પૂર્ણ થયા પછી પાણીની લાઈન નાખવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી, પરંતુ ચોમાસું પૂરૂં થઈ બે મહિના થઈ ચૂક્યા છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. આથી યુનિટી માર્ચ વિસ્તારથી પસાર થઈ ત્યારે મહિલાઓએ રેલી અટકાવી પોતાના પ્રશ્નો તીવ્ર રીતે રજૂ કર્યા હતા.
નગરપાલિકા પ્રમુખ હિરલ પરમારે જણાવ્યું કે માહી સોસાયટી વિસ્તાર માટે જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર લાઈનનું રી-ટેન્ડર કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં ટેન્ડર ખોલીને નવી લાઈન નાખવામાં આવશે. ઉપરાંત 47 લાખના ખર્ચે નવો રોડ પણ બનાવાશે, જેથી સમસ્યાનું કાયમી નિવારણ મળે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ