
પાટણ, 20 નવેમ્બર (હિ.સ.) : ચાણસ્મા પંથકની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી ભરત મંછાભાઈ દેવીપૂજકને દોષિત ઠેરવી કુલ દસ વર્ષની સખ્ત કેદ અને રૂ. 55,000ના દંડની સજા ફટકારી છે.
આરોપીને IPC કલમ 363 (સગીરાનું અપહરણ) અને કલમ 366 (સગીરાને પ્રેરણા/અપહરણ) હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ તથા રૂ. 5,000નો દંડ ફટકારાયો છે. ઉપરાંત, POCSO એક્ટની કલમ 3(એ), 4, 5(જે)(2), 5(એલ) અને 6 હેઠળ દસ વર્ષની સખ્ત કેદ તથા રૂ. 50,000નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરાય તો વધારાની કેદનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે ભોગ બનનાર સગીરાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. 3 લાખનું વળતર આપવાની ભલામણ કરી છે. જજ બિપીન કે. બારોટે પોતાના 21 પાનાના ચુકાદામાં નોંધ્યું કે પુરાવાઓ પરથી સાબિત થાય છે કે સગીરા સંમતિ આપવા લાયક નહોતી અને આરોપીનો ગુનો નિશંક પુરવાર થયો છે.
આરોપીએ સગીરા હોવાનું જાણતાં હોવા છતાં તેનું અપહરણ કરીને વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું, જેના પરિણામે ભોગ બનનાર માતા બની છે. આવા ગંભીર સંજોગોમાં આરોપી દયાને પાત્ર નથી, એમ કોર્ટએ કહ્યું છે. કેસમાં 8 મૌખિક અને 26 દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં લેવાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ