



પોરબંદર, 24 નવેમ્બર (હિ.સ.) વન અને પર્યાવરણ, હવામાન પરિવર્તન તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં આજે પોરબંદર મહાનગરપાલિકા સભાખંડ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોરબંદર જિલ્લાના પોરબંદરના સર્વાંગી પ્રવાસન વિકાસ સાથે આર્થિક વિકાસ થાય તથા ભવિષ્યમાં હાથ ધરવાના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સ્પેનથી આવેલી આર્કિટેક્ટ તેમજ અધિકારીઓની વિશેષ ટીમે જિલ્લા ના ઐતિહાસિક વારસાના સંવર્ધન માટે જરૂરી તકનીકી પાસાઓ રજૂ કર્યા હતા. તેમણે પોરબંદરની ભૌગોલિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિકાસની સંભાવનાઓ તેમજ કચ્છ, ઉદયપુર, જયપુર, વડનગર, કોચી, અમદાવાદ સહિતનાં અન્ય ઐતિહાસિક શહેરોની તુલના આધારિત વિકાસ રોડમેપ અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. સાથે જ સોમનાથ અને દ્વારકા જેવા મહત્વના તીર્થસ્થળોનું પ્રવાસન પોરબંદરને વધુ પ્રોત્સાહન આપી શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રીએ નિષ્ણાતોની સહાયથી પોરબંદરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી દિશા આપવા માટેની આવશ્યકતાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી .આગામી સમયમાં જિલ્લા માટે ગાંધી કોરિડોર સહિતના ડેવલોપમેન્ટ પ્લાનોને અંતિમ રૂપ આપવા નિષ્ણાતોની સાથે વધુ ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
બેઠકમાં ઈનચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતના તિવારી, સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા લોકલ ટુ સોસાયટી ફાઉન્ડેશનથી સ્પેનિશ આર્કિટેક્ટ મેન્યુઅલ દેલાસ હેરાસ અને ઇન્ડિયા અર્બન પ્લાનર સંસ્કૃતિ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya