
સુરત, 24 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં BLO તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકામાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી અને BLO તરીકે વધારાની જવાબદારી નિભાવતી 26 વર્ષીય ડિન્કલ શીંગોડાવાલાનું શંકાસ્પદ મોત થયું છે. હોસ્પિટલ પરિસરમાં પરિવારના રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં BLO તરીકે ફરજ બજાવતી બીજી એક મહિલા અચાનક બેભાન થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઘરના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી ડિન્કલ
મળતી માહિતી મુજબ, ડિન્કલ શીંગોડાવાલા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામે પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે સુરત મનપાના વરાછા ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત હતી. ચૂંટણી વિભાગ દ્વારા SIR અભિયાન માટે તેમને BLOની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે ડિન્કલ ઘરના બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી.
પરિવારે જાણ થતાં જ તેમને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. યુવા મહિલા અધિકારીના અચાનક મોતને કારણે અનેક સવાલો ઊભા થયા છે. રાજ્યમાં અગાઉ પણ BLOના વધતા કામકાજ અને દબાણને કારણે શિક્ષકોની આત્મહત્યા અને હાર્ટ એટેકથી મોતના બનાવો થઈ ચૂક્યા છે.
મોતનું કારણ તપાસનો વિષય
પોલીસ અને વહીવટી તંત્ર માટે આ ઘટના તપાસનો વિષય બની છે કે શું BLO તરીકેની વધારાની અને દબાણભરી કામગીરીના કારણે માનસિક-શારીરિક ભારણ વધવાથી તેમનું મોત થયું? કે પછી બાથરૂમમાં લપસવું, કોઈ અકસ્માત કે અન્ય તબીબી કારણ (જેમ કે હાર્ટ એટેક અથવા બ્રેઇન હેમરેજ) જવાબદાર છે? પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. PM રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે.
ડિન્કલ શીંગોડાવાલાના અકાળે મોતથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સાથે જ BLO તરીકે ફરજ બજાવતા અન્ય કર્મચારીઓ અને મનપા સ્ટાફમાં પણ ગમગીનીનું વાતાવરણ છે. રાજ્યમાં BLOના સતત મોતના બનાવોથી કર્મચારીઓમાં ભય અને રોષ વધતો જઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે