
જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : જામનગરનાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસમેનને અસલી પોલીસનો ભેંટો થતાં તેને પકડી અટકાયત કરી ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ જામનગર રેલ્વે સ્ટેશન પર પોલીસ કોન્સ્ટેબલની ઓળખ આપી રોફ જમાવતો હોય તે દરમિયાન રીક્ષા ચાલક દ્વારા રેલ્વે પોલીસને જાણ કરતા જામનગર રેલ્વે પોલીસ સ્ટાફના હરદેવસિંહ જાડેજા અને લાખુભાઈ ગઢવી અને શકિતસિંહ વાઢેર સહિતના દોડી આવી 'હું એમ.એમ.સીનો કોન્સ્ટેબલ છુ' તેવી ઓળખ આપનાર શખ્સને ઝડપી લઈ પુછપરછ કરતા પોતાનું નામ બુધા ઉર્ફે બ્રિજેશ સિયાભાઈ ચાસીયા (ઉ.વ.31) રે.બાસીયા જિ.દેવભૂમિ દ્વારકા હોવાનું જણાવી મારૂ ઓળખપત્ર ઘરે રહી ગયેલ તેવુ જણાવતા તપાસ દરમિયાન બુધા ઉર્ફે બ્રિજેશ ચાસીયા એમએમસી વિભાગ કે અન્ય વિભાગોમાં રાજય સેવક તરીકે ફરજ બજાવતો નહી હોવાનું ખુલતા, તેની અટકાયત કરી બ્રિજેશ ચાસીયા વિરૂદ્ધ બીએનએસની કલમ-204 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આમ જામનગરમાં નકલી પોલીસને, અસલી પોલીસનો ભેંટો થતાં હવાલાતની હવા ખાવી પડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt