
જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતભરના બીએલઅલોમાં SIRની કામગીરીને લઈને વિરોધનો સુર ઉઠી રહ્યો છે. કામગીરીમાં આવતી વીટંબણાઓને લઇ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા નમતું જોખવામાં આવ્યું નથી.
આથી બીએલઓમાં આપઘાત અને હાર્ટએટેકના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. તેવામાં જામનગરમાં ગઇકાલે એક મહિલા બીએલઓને એસઆઇઆરની કામગીરી દરમિયાન, હાઇપર ટેન્શનના કારણે ચક્કર આવી જતાં બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જેને લઇને ક્ષણિક અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી મુજબ, જામનગરના મસીતિયા વાડી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં હિરલબેન ત્રિવેદીને, એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી હોય આ દરમિયાન ગઇકાલે તેઓ જામનગરના સત્યમ કોલોની આહિર સમાજ ખાતે બીએલઓની ફરજને પગલે ફોર્મ એકત્ર કરી રહ્યાં હતાં આ વેળાએ 11ઃ30 વાગ્યે એકાએક ફોર્મ ચેક કરતી વેળાએ બેભાન અવસ્થામાં ઢળી પડ્યાં હતાં. જેને લઇ આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઇ હતી.
બાદમાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને પગલે 108 નો સ્ટાફ દોડી આવ્યો હતો અને હિરલબેનન સારવાર માટે જી.જી.હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં. હાલ હિરલબેનની જામનગરની જી.જી.હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં તબીબી નિરક્ષણ હેઠળ સઘન સારવાર ચાલી રહી છે.
તેમની સ્થિતિમાં સુધાર આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ થતાંની જ સાથે પ્રાંતઅધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. જ્યાં હિરલબેનના ખબર અંતર પુછ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt