
પાટણ, 24 નવેમ્બર (હિ.સ.) : પાટણ SOG પોલીસે અબલુવા ગામમાંથી એક નકલી ડૉક્ટરને પકડી પાડ્યો છે, જે કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શનો આપી લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમભર્યું વર્તન કરતો હતો. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાનેર (કાનાણીપાટી) ગામનો વતની પીન્ટુસીંગ પ્રભાતસીંગ જાદવ અબલુવા ગામમાં દુકાનમાં ડૉક્ટરી પ્રેક્ટિસ ચલાવતો હતો.
ચોક્કસ બાતમીના આધારે SOG ટીમે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પીન્ટુસીંગ પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે દર્દીઓને તપાસી એલોપેથીક દવાઓ તથા ઈન્જેક્શનો આપતો હોવાનું ખુલ્યું અને તેને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો.
પોલીસે તેની પાસેથી દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત રૂ. 4581.97/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે SOGએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ