જામનગર જિલ્લામાં પવનચક્કીના કામમાં નીતી-નિયમ નેવે મુકાયા, ધારાસભ્ય હેમંત ખવાનો આક્ષેપ
જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં અનેક ગામોમાં પવનચક્કીઓ ઉભી કરવા અને લાઈનો નાંખવા માટે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલી જમીનોને બદલે અન્ય જગ્યાઓ ઉપર દાદાગીરીથી ખેડુતોને ડરાવીને કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ પણ કંપનીનો સાથ આપી રહ
પવનચક્કીના કામનો વિરોધ


જામનગર, 24 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં અનેક ગામોમાં પવનચક્કીઓ ઉભી કરવા અને લાઈનો નાંખવા માટે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલી જમીનોને બદલે અન્ય જગ્યાઓ ઉપર દાદાગીરીથી ખેડુતોને ડરાવીને કામ કરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ પણ કંપનીનો સાથ આપી રહી હોવાનો આક્ષેપ કરીને જામજોધપુરના ધારાસભ્યએ ખેડુતોને જંત્રી ઉપરાંત બજાર ભાવ મુજબ પણ વળતર આપી શકવાના નિયમની અમલવારીની માંગણી કરી હતી.

ધારાસભ્ય હેમંત ખવાએ ફરિયાદ અને સંકલનની બેઠકમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને એસપી ડો.રવિ મોહન સૈનીને તથા અધિકારીઓને જણાવ્યું હતું કે, કલેક્ટર દ્વારા પવનચક્કી અને તેને લગતી ઈલેક્ટ્રીક લાઈનો ઉભી કરવા માટે જુદી-જુદી કંપનીઓને જમીન ફાળવવામાં આવી હોય છે. આ જગ્યાઓને બદલે દાદાગીરીથી ખેડુતોને ડરાવીને કામ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પણ કંપનીઓને સાથ આપી રહી છે.

પોલીસ પ્રોટેક્શન આપતા પહેલા મહેસુલ વિભાગ સાથે ખરાઈ કરવામાં આવે કે, કંપની જ્યાં કામ કરી રહી છે. તે કંપનીને ફાળવવામાં આવેલી છે જ જગ્યા છે કે, કેમ ? જો બીજા સ્થળે કામ થતું હોય તો પોલીસ પ્રોટેક્શન ન આપવું અને તપાસ કરીને કામ બંધ કરાવવું. કંપનીના વીજ લાઈનના કામોમાં ખેડુતોને જંત્રી મુજબ વળતર આપવામાં આવે છે.

પરંતુ જો કોઈ ખેડુત સહમત ન હોય તો પરિપત્રની જોગવાઈ મુજબ મુલ્યાંકન સમિતિમાં જમીનનું મુલ્યાંકન કરીને નક્કી કરેલી બજાર કિમંત મુજબ ખેડુતોને વળતર ચુકવવા સરકારે કલેક્ટરને સત્તા આપેલી છે. લાલપુરના નાની વાવડી ગામે વર્ષ 2017થી ગૌચરની જમીન મેળવવા માટે ગ્રામ પંચાયતે માંગણી કરેલી માંગણી ઉભી છે. છતાં તંત્ર દ્વારા અરજીની કોઈ કાર્યવાહી થઈ નથી અને તંત્ર ખાનગી કંપનીનું ઉપરાણું લઈને તેને જમીન મળે તે દિશામાં કામગીરી કરે છે.

નિયમાનુસાર જેની માંગણી પહેલા હોય તેને જમીન મળે. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતની માંગણીનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ ખાનગી કંપનીને જમીન ફાળવવાની કામગીરી ન થાય. આ ઉપરાંત બેઠકમાં ધારાસભ્યએ વિસ્તારના અન્ય સંખ્યાબંધ મુદ્દા લીધા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande