
- પદયાત્રાના રૂટમાં કુલ 11 સરદાર ગાથા સભા તેમજ 10 ગ્રામસભાનું ભવ્ય આયોજન
વડોદરા, 24 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઊજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થઈને 150 કિ.મી. જેટલું અંતર કાપી રાષ્ટ્રીય એકતાની સંવેદનાને ઉજાગર કરશે.
રાષ્ટ્રીય પદયાત્રા દરમિયાન અખંડ ભારતના નિર્માતા અને લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન મૂલ્યો, આદર્શો,સિદ્ધાંતો અને વિરાટ વ્યક્તિત્વને કથા અને પ્રવચનના માધ્યમથી લોકોના હૃદયમાં જીવંત રાખવા માટે કુલ 11 સરદાર ગાથા સભા અને 10 ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 11 સરદાર ગાથા સભા પૈકી 2 (બે) સભા આણંદ જિલ્લામાં, 6 (છ) સભા વડોદરા જિલ્લામાં તેમજ 3 સભા નર્મદા જિલ્લામાં યોજાશે. આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે પ્રથમ સરદાર ગાથા સભાનું આયોજન કરીને રાષ્ટ્રીય પદયાત્રાનું ભવ્ય પ્રસ્થાન થશે. ત્યારબાદ આસોદર-આઈ.ટી.આઈ. આંકલાવ ખાતે ‘સરદાર: ગાંધીના અડગ સાથી’ વિષય પર દ્વિતીય
સરદાર ગાથા સભા યોજાશે.
વડોદરા જિલ્લામાં યોજાનાર સરદાર ગાથા સભાની વિગતો પર નજર કરીએ તો, સિંધરોટ ખાતે ‘સરદાર: ઓજસ્વી સેનાપતિ’ વિષય પર, અટલાદરા બી.એ.પી.એસ મંદિર ખાતે ‘વિઠ્ઠલભાઈ - મણિબેન અને સરદાર’ વિષય પર, જાંબુઆ ખાતે ‘આધુનિક ભારતના શિલ્પકાર - સરદાર’ વિષય પર, કાયાવરોહણના લકુલેશ મંદિર ખાતે ‘કાશ્મીર-હૈદરાબાદ અને સરદાર’ વિષય પર,સાધલી ગામ ખાતે ‘સરદાર અને તેમના સાથીદારો’ તેમજ ‘જુનાગઢ-સોમનાથ અને સરદાર’ વિષય પર, મોટા ફોફળીયા ખાતે ‘સરદાર: બારડોલી સત્યાગ્રહના આગેવાન’ વિષય એમ કુલ 6 સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે નર્મદા જિલ્લામાં રાજપીપળા-પુરાની ક્રિકેટ એકેડમી ખાતે ‘વારસો અને પુનરુત્થાન - શાશ્વત સરદાર’ વિષય પર, ભાણદ્રા ચોકડી ખાતે ‘સમાજ સુધારક સરદાર’ વિષય પર અને એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપન સભા એમ કુલ ત્રણ સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
તદુપરાંત રાષ્ટ્રીય પદયાત્રાના માર્ગ પર આવતા ગામડાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો, એકતા અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને લોકો સુધી પહોંચાડવાના મુખ્ય ઉદ્દેશ સાથે ગ્રામસભાના આયોજન થકી અનેકવિધ જનજાગૃતિ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર કુલ 10 ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જૈ પૈકી આણંદ જિલ્લામાં એક ગ્રામસભા (આંકલાવ ખાતે), વડોદરા જિલ્લામાં સાત ગ્રામસભા અને નર્મદા જિલ્લામાં બે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમાજને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોની દિશા આપતી તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવા માટે જાગૃત કરતી આ રાષ્ટ્રીય પદયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાઈને લોહપુરુષ સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ