
- તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા 94 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો
ભાવનગર,25 નવેમ્બર (હિ.સ.) ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર દ્વારા નોન –મિશન ક્લસ્ટરમાં વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરની તાલીમ અંતર્ગત મહુવા તાલુકાના દુધાણા ક્લસ્ટર ના સમઢિયાળા નં-3 ખાતે વિલિંગ ફાર્મરની જીલ્લા અંદરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા 54 ભાઈઓ તથા 40
મહિલાઓ મળી કુલ 94 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકો જેવા કે, જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિઅર્ક અને આચ્છાદન વગેરેની પ્રાયોગીક તાલીમ આપવામાં આવી હતી. આ સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું મહત્વ તથા મિશ્ર/આંતરપાકોની અગત્યતા બાબતે ખેડૂતોને અવગત કરાવવામાં આવ્યા હતા.
વધુમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીમાં આવતી મુશ્કેલીઓ-સમાધાન-ઉકેલ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. જેથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ–શાકભાજી-ફળ વગેરે ઉત્પાદન કરી વધુ સારૂ વળતર મેળવી શકે.
આ વેળાએ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને મહુવા આજુબાજુ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત તેમજ મહુવા ફળ
શંસોધન કેન્દ્ર સાથે સંકળાયેલ વિપુલ બાંભણીયા તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા પ્રોજેક્ટ મેનેજર ગજેન્દ્રસિંહ બારૈયા, ખેતી મદદનીશ નાજુભાઈ ભમ્મર અને માસ્ટર ટ્રેનર મહેન્દ્ર કવાડ તેમજ આત્મા પ્રોજેક્ટ ભાવનગરના સંજય કવાડ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ