શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ ખાતે તુલસી વિવાહ તથા ભગવાન વિષ્ણુનું પૂજન સંપન્ન
ગીર સોમનાથ, 3 નવેમ્બર (હિ.સ.) શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલોકધામ ખાતે આજ રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને શાસ્ત્રસિદ્ધ વિધિ મુજબ તુલસી માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ ખાતે


ગીર સોમનાથ, 3 નવેમ્બર (હિ.સ.) શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલોકધામ ખાતે આજ રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને શાસ્ત્રસિદ્ધ વિધિ મુજબ તુલસી માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન કરવામાં આવ્યા હતા.

આ શુભ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સજોડે, ટ્રસ્ટ પરિવારના સભ્યો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં તુલસી વિવાહ અને ભગવાનનું પૂજન કર્યું હતું. તુલસી માતાની પૂજન વિધિ, મંગલગીતો, શંખધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિષ્ણુ ભગવાન સાથે તુલસીના પવિત્ર વિવાહનો સંભારંભ અત્યંત ભાવભીનાં માહોલમાં યોજાયો હતો.

તુલસી વિવાહની કથા:

પૌરાણિક કથા મુજબ, દેવી તુલસી તેમના પૂર્વ જન્મમાં વૃંદા નામની અત્યંત પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી હતા, જેમના લગ્ન શક્તિશાળી અસુરરાજ જાલંધર સાથે થયા હતા. વૃંદાની પતિ પ્રત્યેની અખંડ ભક્તિ અને પવિત્રતા જ જાલંધર માટે શક્તિનો મુખ્ય સ્ત્રોત હતો. તેમની આ તપસ્યાના કારણે જાલંધર સત્ય અને ધર્માચાર માટે ઘાતક બન્યો હતો દેવતાઓની વિનંતી પર, સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી. તેમણે જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાની તપસ્યા અટકાવી. જેનો ભંગ થતાં જ જાલંધરની શક્તિનો નાશ થયો અને તે માર્યો ગયો.

જ્યારે વૃંદાને જાણ થઈ, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. વૃંદાના અપાર તપ, ભક્તિ અને પતિવ્રતાની શક્તિના કારણે તે જ ક્ષણે ધરતી પર એક દિવ્ય છોડ ઉત્પન્ન થયો, જે પવિત્ર તુલસીના રૂપમાં ઓળખાયો.

ભગવાન વિષ્ણુએ વૃંદાના આ મહાન ત્યાગ અને ભક્તિનું સન્માન કરતાં તેમને વરદાન આપ્યું કે તેઓ તુલસીના રૂપમાં હંમેશા પૂજાશે અને તુલસી વગર તેમની કોઈપણ પૂજા કે ભોગ અધૂરો ગણાશે. પોતાની આ પ્રતિજ્ઞાને નિભાવવા માટે ભગવાન વિષ્ણુએ સ્વયં શાલિગ્રામ સ્વરૂપમાં તુલસી સાથે લગ્ન કર્યા. ત્યારથી દર વર્ષે કારતક શુક્લની એકાદશી બાદ તુલસી વિવાહનો પવિત્ર પર્વ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવે છે. આ તિથિએ દેવઊઠી એકાદશી સ્વરૂપે ચાતુરમાસનું સમાપન પણ થાય છે.

તુલસી વિવાહનું પૂજન કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે એવો શ્રદ્ધાભાવ છે. પૌરાણિક માન્યતા અનુસાર તુલસી માતા એટલે વૃન્દા બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણવાયેલ ધર્મનિષ્ઠા અને ભક્તિની પ્રતિમા છે. તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તિ રૂપે પવિત્રતા અને દૈવિક સમર્પણનું પ્રતિક છે.

પૂજન અને ભક્તિનો ઉત્સવ:

ગોલોકધામ ખાતે તુલસી વિવાહ પ્રસંગે ભક્તિગીતો, આરતી અને મંત્રોચ્ચાર સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. સૌ ભક્તોએ તુલસી માતાને નમન કરી ધાર્મિક પવિત્રતાનો સંદેશ ગ્રહણ કર્યો હતો. અને ગોલોકધામ પરિસર ભક્તિ ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande