
સુરત, 3 નવેમ્બર (હિ.સ.) સુરતના પાંડેસરા વિસ્તારમાં રવિવારની રાત્રે દુઃખદ ઘટના બની છે. બોટલીવાલા સર્કલ પાસે ડાઇંગ મિલમાં કામ કરનાર એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારતાં તેનું સ્થળ પર જ મૃત્યુ થયું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
મૃતકની ઓળખ આસ યાદવ તરીકે થઈ છે. આસ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં ડાઇંગ મિલમાં નોકરી કરતો હતો. રોજની જેમ તે રાત્રે કામ પૂરું કરીને ગોડાદરા ખાતે ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ અનિચ્છનીય ઘટના બની.
કહેવાય છે કે રાત્રે કામથી છૂટ્યા પછી આસએ બોટલીવાલા નજીક એક હોટલમાં ભોજન લીધું હતું અને પછી પગપાળા જ જતા હતો. તે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હોવાનો પ્રાથમિક અંદાજ છે. સુપરવાઈઝર વિકાસ પાટીલ મુજબ, અકસ્માતનો સમય આશરે 9:40 થી 9:45નો માનવામાં આવે છે. માહિતી મળતાં જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ સ્થળ પર પહોંચી, પરંતુ યુવાનને બચાવી શકાયો નથી.
આસ યાદવ પોતાના પરિવારનો એકમાત્ર સહાયક હતો. તેની પત્ની અને બે નાના બાળકો હાલ ઉત્તર પ્રદેશમાં રહે છે, અને આ ઘટના પછી તેમના પર શોકનો પહાડ તૂટી પડ્યો છે.
પાંડેસરા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને દોષિતને શોધવાની કામગીરી તેજ
કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે