
ગીર સોમનાથ, 3 નવેમ્બર (હિ.સ.) : સમગ્ર રાજ્યની સાથે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લામાં પણ સોયાબીન, મગફળી સહિતના પાકના નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે બપોર બાદ ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના કડવાસણ ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કરીને નુકસાનગ્રસ્ત ખેતરની પણ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન કડવાસણ ગામના ખેડૂત વિજયભાઈ વાળાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીઅમારા ગામમાં આવીને વિપતની આ ઘડીમાં ઊભા રહ્યાં છે, તે અમારા માટે આનંદની વાત છે. વિપદાની આ ઘડીમાં અમારી સાથે ઉભા રહીને રાજ્ય સરકાર અમારી પડખે છે તેઓ વિશ્વાસ મુખ્યમંત્રીએ અમને અપાવ્યો છે. તે રીતે રાજ્ય સરકારે અમારું ટાણું સાચવી લીધું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમારા ખેતર સુધી આવીને અમારા પાક અને ચારો સહિતનું નુકસાનનું નિરીક્ષણ કર્યું છે. કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોના ખેતરમાં માંડવીને નુકસાન પહોંચ્યું છે. સરકારના પ્રતિનિધિઓ તરીકે મંત્રીઓ આ પહેલા પણ ખેડૂતોના ખેતરમાં નુકસાનનો તાગ મેળવવા પહોંચ્યા હતાં. જે ખૂબ સારી વાત છે. હવે ખેતરના નુકસાન પહોંચેલા પાક વિશેની માહિતી મેળવી અને સર્વે થઈ રહ્યો છે, જે પછી અમને આશા છે કે યોગ્ય વળતર મળશે. એમ એમણે ઉમેર્યું હતું.
આ રીતે મુખ્યમંત્રીએ ગામના ખેડૂતોને જે સહાય- મદદની ખાતરી આપી તે માટે કડવાસણ ગામના ખેડૂતોએ મુખ્યમંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ