
સુરેન્દ્રનગર, 3 નવેમ્બર (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોને યોગ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તરફ પ્રેરિત કરવાના ઉમદા હેતુથી સુરેન્દ્રનગર ખાતે યોગ સંવાદ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ સુરેન્દ્રનગરના નમો કમલમ,
ખેરાળી રોડ પાસે, રાજકોટ હાઈવે પર સવારે 10 થી 12 કલાક દરમિયાન યોજાયો હતો.
આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયા હતા અને ઉપસ્થિત સર્વેને યોગના સર્વાંગી મહત્વ અંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની એક પદ્ધતિ છે, જે વ્યક્તિને તમામ પ્રકારના તણાવ અને દબાણમાંથી મુક્ત કરીને દિવ્યતા તરફ દોરી જાય છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમ થકી નવા વર્ષના પ્રારંભે જીવનમાં સકારાત્મકતા અને ઉર્જા લાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંદર્ભે બોર્ડ દ્વારા નવા વર્ષમાં તાણ નહીં, તરંગો..., દબાણ નહીં, દિવ્યતા લાવીએ... નું સૂત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેના દ્વારા લોકોને નિયમિત યોગ અપનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી અભિયાન સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાતને વધુ બળ પૂરું
પાડવાનો હતો, જેથી રાજ્યના નાગરિકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકે. સાથે સાથે લોકોને યોગ સાથે જીવનને નવેસરથી ઉજાગર કરીને, જીવનમાં સકારાત્મક તરંગોનું નિર્માણ કરીને, એક સ્વસ્થ સમાજ અને સુખમય જીવન તરફ એક નવી પહેલ કરવાનો રહ્યો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે નાગરિકોને આ અભિયાનમાં જોડાઈને મેદસ્વિતા મુક્ત અને નિરોગી ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ