સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં કમોસમી વરસાદથી ત્રણ મકાનોને નુકસાન: તલાટીએ રજૂ કર્યો અહેવાલ
અમરેલી,3 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી ભારે વરસાદના કારણે ખેડૂતો તથા માછીમારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેતરમાં ઉભેલા પાકો, ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકને મોટું નુકસાન થયું છે. સાથે સાથે માછ
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં કમોસમી વરસાદથી ત્રણ મકાનોને નુકસાન: તલાટીએ રજૂ કર્યો અહેવાલ


અમરેલી,3 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી ભારે વરસાદના કારણે ખેડૂતો તથા માછીમારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેતરમાં ઉભેલા પાકો, ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકને મોટું નુકસાન થયું છે. સાથે સાથે માછીમારી ક્ષેત્રમાં પણ દરિયાઈ પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી રહી છે. પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવખરીને પણ વરસાદે મોટું નુકસાન પહોંચાડ્યું છે.

આ જ સંદર્ભમાં સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે કમોસમી વરસાદના પ્રકોપથી ત્રણ મકાનોને નુકસાન થવાની ઘટના સામે આવી છે. સ્થાનિક માહિતી મુજબ, ગામના ત્રણ અલગ અલગ પરિવારોના મકાનોની દીવાલો વરસાદના કારણે ધરાશાયી થઈ ગઈ હતી. પ્રથમ બનાવમાં પ્રાગજી પોપટભાઈ ચોડવડીયાના વંડાની દીવાલ પડી જવાથી મકાનને નુકસાન થયું હતું. બીજા બનાવમાં લાલજી માધાભાઈ ચોડવડીયાના ફરજાની દીવાલ ધરાશાયી થઈ હતી, જ્યારે ત્રીજા બનાવમાં ભીખા માધાભાઈ કણેતના મકાનની દીવાલ પડી જવા પામી હતી.

સદનસીબે આ દુર્ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વરસાદના કારણે ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ અને ભીંજાયેલા માળખાકીય ભાગોને લીધે અન્ય મકાનોમાં પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક અહેવાલ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીને પહોંચાડવામાં આવ્યો હતો.

તલાટી કમ મંત્રી દ્વારા ત્રણેય બનાવોની સ્થળપર જઈ તપાસ કરીને નુકશાનીનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ તાલુકા કચેરીમાં રજૂ કરવામાં આવ્યો છે, જેથી સંબંધિત પરિવારોને સહાય મળી શકે. વરસાદી તબાહી વચ્ચે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે આ વિસ્તારમાં આગામી દિવસોમાં ફરી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક પંચાયત દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા અને નબળા મકાનોમાં રહેતા પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે ખસવાની સલાહ આપવામાં આવી છે. કમોસમી વરસાદના આ અસરકારક તબક્કામાં સીમરણ ગામ પણ અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ જ કુદરતી આફતના ફટકામાં આવી ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande