અભયમ્ ટીમની સમયસરની સમજાવટ, તરુણીએ નશો કરતા યુવક સાથે લગ્નની જીદ
રાજકોટ,4 નવેમ્બર (હિ.સ.) અભયમ્ 181 મહિલા હેલ્પલાઇન પર એક વ્યથિત માતાનો કોલ આવ્યો. જેમાં તેમણે તેમની પુત્રીના કાઉન્સિલિંગ માટે અભયમ્ વાન મોકલવાની વિનંતી કરી. ત્યારબાદ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત 181 હેલ્પલાઇનની ટીમના કાઉન્સિલર માધવી
અભયમ્ ટીમની સમયસરની સમજાવટ, તરુણીએ નશો કરતા યુવક સાથે લગ્નની જીદ


રાજકોટ,4 નવેમ્બર (હિ.સ.) અભયમ્ 181 મહિલા હેલ્પલાઇન પર એક વ્યથિત માતાનો કોલ આવ્યો. જેમાં તેમણે તેમની પુત્રીના કાઉન્સિલિંગ માટે અભયમ્ વાન મોકલવાની વિનંતી કરી. ત્યારબાદ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત 181 હેલ્પલાઇનની ટીમના કાઉન્સિલર માધવી સરવૈયા, કોન્સ્ટેબલ ઊર્મિલા કટેસિયા અને પાયલોટ વિજયભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થયા.

માતાએ પોતાની વ્યથા અભયમ્ ટીમને જણાવી. તેમની સત્તર વર્ષની દીકરી એક યુવક સાથે લગ્ન કરવા માટે જીદ પકડીને બેસી હતી. પરિવારની ચિંતા એ હતી કે આ યુવક નશાકારક દ્રવ્યોના સેવનનું વ્યસન ધરાવતો હતો, જેના કારણે માતા-પિતા અને પરિવારના સભ્યો સ્પષ્ટપણે આ લગ્નની વિરુદ્ધ હતા. દીકરીની હઠને કારણે ઘરમાં વાતાવરણ તનાવપૂર્ણ બન્યું હતું.

અભયમ્ ટીમે તરુણી સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને વાતચીત શરૂ કરી. તેણે જણાવ્યું કે લગભગ બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયાથી યુવકના સંપર્કમાં આવી હતી. સમય જતાં તેમની મિત્રતા પ્રેમસંબંધમાં બદલાઈ અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જો કે તેણે કબૂલ્યું કે યુવક નશાનું સેવન કરે છે. યુવક સાથેની તેની વાતચીત અંગે જાણ છેલ્લા એક વર્ષથી પરિવારમાં થઈ હતી. માતા-પિતા લગ્ન માટે ના પાડી રહ્યા હોવા છતાં તે પોતાની જીદ પર અડગ હતી.

કાઉન્સિલરે સંવેદનશીલતા સાથે તરુણીનું કાઉન્સિલિંગ કર્યું. તેમણે કાયદાકીય રીતે લગ્ન કરવા માટે પુખ્ત વયની હોવું જરૂરી છે, તેની સમજ આપી. વળી, યુવકના વ્યસનને કારણે તેના ભવિષ્યના જીવન પર શું ગંભીર અસરો થઈ શકે છે, તે વિશે પણ ચર્ચા કરી. ટીમની સમજાવટ અને માર્ગદર્શનની તરુણીના મન પર ઊંડી અસર થઈ, અંતે તેણે પોતાના માતા-પિતાની મરજી મુજબ અને કાયદાકીય રીતે પુખ્ત વયની થયા બાદ જ લગ્ન કરવાની તૈયારી બતાવી. મહત્વની વાત એ હતી કે તેણે હાલમાં લગ્ન કરવાની જીદ છોડીને પોતાની કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.

181 ટીમે જરૂર જણાયે પીડિતાને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરવા માટે જણાવ્યું. માતા સહિત પરિજનોએ દીકરીના કાઉન્સિલિંગ બદલ અભયમ્ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, ગુજરાત સરકારની અભયમ્ ટીમની સમયસરની મદદથી સમસ્યાનો સુખદ અંત આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande