
- 13 નવેમ્બર થી 23 ડિસેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ બનશે વિશ્વ સાહિત્યનું સરનામું
- પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે બુક ફેસ્ટિવલની સાથે લેખક મંચ, પ્રજ્ઞાશિબિર,
જ્ઞાનગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતનાં વિવિધ આકર્ષણો
- 100 થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300 થી વધુ પ્રકાશકોના સ્ટોલ,1000 થી વધુ પ્રકાશકોનાં
પુસ્તકોનો અનેરો રસથાળ
અમદાવાદ,4 નવેમ્બર (હિ.સ.) રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ અમદાવાદ નેશનલ બુક ફેર નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને વર્ષ-2024 થી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર’ નામકરણ કરાયું છે.
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત આગામી 13 થી 23 નવેમ્બર દરમિયાન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025માં અનેક રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ પણ ઉપસ્થિત રહેશે. જેમાં લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોન, કે. વિજયકુમાર (નિવૃત્ત IPS) તેમજ સ્વપ્નિલ પાંડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ બુક ફેરના વિવિધ સત્રોમાં પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025ના મુખ્ય આકર્ષણો અને કાર્યક્રમોની વાત કરીએ તો, સાહિત્ય મને ગમે છે એ વિષય પર આયોજીત કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુ, તુષાર શુક્લા, ભાગ્યેશ ઝા અને જગદીશ ત્રિવેદી જેવા વક્તાઓ સાહિત્ય અને આધ્યાત્મિકતાના સંગમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. લોકસાગરના મોતીમાં જાણિતા ગાયક કિર્તિદાન ગઢવી લોકગીતો અને લોકસાહિત્ય પર જીવંત પ્રદર્શન કરશે.વન્સ મોરણી વિરાસત -ગુજરાતી કાવ્ય સંગીત કાર્યક્રમમાં કવિ અંકિત ત્રિવેદી અને ગ્રુપ ગુજરાતી કાવ્ય પર જીવંત સંગીતમય પ્રસ્તુતિ આપશે. કાવ્યરંગ – ગીત ગઝલ / મુશાયરો કાર્યક્રમમાં જાણીતા ગઝલકારો અને કવિઓ દ્વારા કાવ્યપાઠ યોજાશે, જેમાં સંજુ વાલા, રાજેન્દ્ર શુક્લા, કિરણસિંહ ચૌહાણ, ભાવેશ ભટ્ટ, ભવિન ગોપાણી, કૃષ્ણા દવે, ઉષા ઉપાધ્યાય, હર્ષવી પટેલ, દલપત પઢીયાર, રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ અને હર્ષ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે.
શબ્દ સંસાર વિષય પર આયોજિત કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને લેખક જય વસાવડા તેમના જીવનમાં સાહિત્યના પ્રભાવ વિષે વાત કરશે. શબ્દ સંસાર (ભાગ-2)માં જાણીતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધ પર સંવાદ કરવામાં આવશે. શબ્દ સંસાર (ભાગ-૩)માં લેખક સ્વપ્નિલ પાંડે (The Force Behind the Force) દ્વારા સાહિત્યિક ચર્ચા કરશે. જ્યારે વાંચીકમ કાર્યક્રમમાં લોકપ્રિય ગુજરાતી લઘુકથાઓનું નાટ્યાત્મક અને સંગીતમય વાચનની પ્રસ્તુતિ નૈષધ પુરાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત દિલ કી કલમ સે કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીતોમાં કાવ્યાત્મક તત્ત્વો પર જીવંત પ્રદર્શન થશે,જેમા ગાયક ચિરાગ દેસાઈ, શ્યામ ગઢવી, સલીમ મલિક, અનાલ વસાવડા, પાયલ વખારિયા રહેશે. જ્યારે સંગીત સંદિપ ક્રિશ્ચિયન તથા 8 સંગીતકારો આપશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવશે.આ સાથો-સાથ ‘ વિચાર મંથન સેશન’ અંતર્ગત સ્વદેશી અને આત્મનિર્ભરતા વિષય પર વિવિધ વક્તાઓના વ્યાખ્યાન પર યોજાશે. તેમજ ‘સ્ટાર્ટ અપ મંચ’ અંતર્ગત આઇ-હબ દ્વારા વિવિધ સ્ટાર્ટ અપ્સના નવા પ્રકલ્પો અને એક્સપર્ટના ટેકનિકલ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા 12 વર્ષ થી વધુ વયના મુલાકાતીઓ માટે ડિઝાઇન વર્કશોપ તેમજ અનંત નેશનલ યુનિવર્સિટીના વિધાર્થી અને ફેકલ્ટીના ડિઝાઇન પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન પણ યોજાશે.
આ સમગ્ર આયોજનમાં 1000 થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300 થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000 થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બનશે.
આ પુસ્તકોના રસથાળની સાથોસાથ અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિ:શુલ્ક રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ