
પાટણ, 4 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM)ની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરિયાની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં કોલેજોની તપાસ માટે સ્પેશિયલ કમિટીની રચના, પરીક્ષામાં ચોરી રોકવા માટે દરેક જિલ્લામાં બે સ્કોડ બનાવવાની યોજના અને રાજ્યપાલની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્ર વિતરણ માટે દીક્ષાંત સમારોહ યોજવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી પીએ ટુ કુલપતિ, પીએ ટુ રજિસ્ટ્રાર, એસ્ટેટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એસ્ટેટ એન્જિનિયર જેવી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓ માટે ટૂંક સમયમાં જાહેરાત બહાર પાડવામાં આવશે. ઉપરાંત કાયમી ક્લાર્ક અને અધ્યાપકોની ખાલી જગ્યાઓ માટેનું રોસ્ટર સરકારને મંજૂરી માટે મોકલાયું છે, જે મળ્યા બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
નવા અધિનિયમ મુજબ રાજ્યપાલની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તે માટે ૩૧ જાન્યુઆરીએ, હેમચંદ્રાચાર્ય મહારાજની દીક્ષા તિથિએ, દીક્ષાંત સમારોહ યોજાશે. આ સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર આપવામાં આવશે અને ૫૦ થી ૬૦ લાખ રૂપિયાના ખર્ચને મંજૂરી અપાઈ છે.
કોલેજોની તપાસ માટે હવે LIC ઉપરાંત સ્પેશિયલ ઇન્સ્પેક્શન કમિટી બનાવવામાં આવશે, જે કોલેજોમાં અચાનક મુલાકાત લઈ શિક્ષણ અને ભૌતિક સુવિધાઓની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે. પ્રાંતિજની એક કોલેજમાં સામૂહિક કોપી કેસ સામે આવતા તેના પરીક્ષા કેન્દ્રને કાયમી રદ કરવામાં આવ્યું છે અને સંબંધિત કોલેજ પાસેથી એફિડેવિટ પણ લેવામાં આવ્યું છે.
એક કોલેજના અધ્યાપક દ્વારા માર્કિંગમાં થયેલી ભૂલને લઈને તપાસ હાથ ધરાશે અને થયેલો ખર્ચ સંબંધિત અધ્યાપક પાસેથી વસૂલવામાં આવશે. બોર્ડ ઓફ ડીન્સ દ્વારા તૈયાર કરાયેલા પાંચ વર્ષના પ્લાન મુજબ, નવી પીજી અને યુજી સાયન્સ કોલેજોને હાલ મંજૂરી આપવામાં નહીં આવે, પરંતુ મહિલા કોલેજની માગણી હોય તો તેની ચકાસણી બાદ મંજૂરી આપવામાં આવશે. આગામી વર્ષથી બીબીએ અને બીસીએ કોર્સ માટે ભલામણ પણ માગવામાં નહીં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ