
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા શ્રી મહંત સ્વામી ગોંડલમાં દિવાળી - અન્નકૂટ ઉત્સવનો લાભ આપી શનિવાર ગઈકાલથી છોટીકાશી કહેવાતા જામનગરને આંગણે પધાર્યા છે. એક સપ્તાહ સુધી તેઓ જામનગરમાં રોકાશે અને સ્વામીનારાયણ મંદિરે યોજનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધારેલા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને મહંતસ્વામી મહારાજનું બાળકો - યુવાનોએ વિવિધ વેશભૂષા ધારણ કરી , ધજા ફરકાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મહિલા - યુવતી ભક્તોએ અતિ સુંદર અને કલાત્મક રંગોળીઓ રચીને ગુરુહરિને આવકાર્યા હતા.
ઠાકોરજીના દર્શન કરી મહંતસ્વામી મહારાજ ભક્તોનું સ્વાગત સ્વીકારતા સ્વાગત સમારોહમાં પધાર્યા હતા. છલોછલ ભરાયેલા સભાગૃહમાં ઉપસ્થિત જામનગર ઉપરાંત ખંભાળિયા, ભાણવડ, જામજોધપુર વગેરે ક્ષેત્રોના હજારો હરિભક્તો વતી કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તથા સંતોએ ભવ્ય હારતોરાથી વધાવ્યા હતા.
પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે સેંકડો સંતો અને હજારો હરિભક્તોએ નિર્જળા , સજળા ઉપવાસ , ધારણા - પારણા વ્રત , ભાવતી વસ્તુનો ત્યાગ કરી વિશિષ્ટ તપ - વ્રત અર્ધ્ય અર્પણ કર્યું હતું. તપની સાથે સાથે પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજની પ્રસન્નતાર્થે હજારો ભક્તોએ લાખો માળા , પ્રદક્ષિણા , દંડવત્ , પંચાંગ પ્રણામ , શાસ્ત્ર પઠન અને સહજાનંદ નામાવલિ પાઠ જેવા ભક્તિસભર કાર્યક્રમો કરી વિશિષ્ટ ભક્તિ અદા કરી હતી.
જામનગરના ભક્તોની આવી સેવા - વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે અહીં આવી અમને પણ ખૂબ આનંદ થયો. આપ સર્વેની સેવા - ભક્તિ ખૂબ અદભૂત છે અને ઉત્તરોત્તર વધતી રહે છે તે અભિનંદનને પાત્ર છે. જામનગરના તમામ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt