
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં તા.4થી ચાલુ થયેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (એસઆઈઆર)માં એક તરફ કામગીરીનો ધમધમાટ સર્જાયો છે. ત્યારે બીજી તરફ બીએલઓ ગમે તેને ફોર્મ આપીને ચાલ્યા જતા હોવાની તેમજ લોકોને માર્ગદર્શન પણ ન આપતા હોવાથી લોકો મુશ્કેલી અનુભવતા હોવાની ફરિયાદ સાથે જામનગર કોંગ્રેસ દ્વારા અધિક કલેક્ટરને મળીને મૌખિક રજુઆત કરીને આવેદન આપીને બીએલઓને યોગ્ય રીતે કાર્યવાહી કરવાનો કડક હુકમ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી સાજીદભાઈ બ્લોચ અને આનંદભાઈ ગોહિલ તથા વિપક્ષી કોર્પોરેટરો અને કાર્યકરોએ અધિક કલેક્ટર બી. એન. ખેરને રૂબ મળીને આવેદન આપીને રજુઆત કરી હતી કે, ભારતના ચુંટણી પંચએ ગુજરાત સહિતના રાજ્યો માટે મતદારયાદી ખાસ સઘન સુધારણાની ઝુંબેશનું જે સમયપત્રક જાહેર કર્યું છે.
તેમાં ચુંટણી પંચ દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે કે, બીએલઓ ઘરે-ઘરે જઈને ફોર્મ ભરશે. પરંતુ શહેરમાં બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ ભરવાની જગ્યાએ ફોર્મ ઘરે-ઘરે ફોર્મ આપીને કોઈપણ જાતની માહિતી આપ્યા વગર ચાલ્યા જાય છે અને કહે છે કે, ફોર્મ ભરી રાખજો અમે લઈ જશું.
આ ફોર્મ ભરવું ભણેલા લોકો માટે પણ અઘરું છે તો શહેરના ગરીબ અને સ્લમ વિસ્તારોના લોકોના ફોર્મ પુરા ભરાય નહીં તેવી સ્થિતિમાં તેઓના નામ યાદીમાંથી ડીલીટ થવાની દહેશત છે. તેથી તાત્કાલિક ધોરણે તમામ બીએલઓને ગંભીરતાની ફોર્મ ભરવાની કડક સુચના આપવામાં આવે. તેવી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt