
પાટણ, 9 નવેમ્બર (હિ.સ.)પાટણમાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠશ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ (પાટણવાળા) પ્રજાપતિ છાત્રાલયની વાર્ષિક સાધારણ સભા રવિવાર, 9 નવેમ્બર 2025ના રોજ પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભામાં ગત વર્ષની ઠરાવો વાંચી સંમતિ આપવામાં આવી હતી અને વર્ષ 2023-24 તથા 2024-25 ના હિસાબો પણ બહાલીથી મંજૂર કરાયા હતા.
સભામાં નવી ઇમારતના નિર્માણ, બંધારણમાં સુધારા અને દાતાઓ નક્કી કરવાની બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નવી ઇમારત માટે બ્રોશર અને બુકલેટ પણ પ્રકાશિત કરાયા હતા. પ્રમુખે જણાવ્યું કે ટૂંક સમયમાં સમાજના સહયોગથી નવી ઇમારતનું ભૂમિપૂજન કરવામાં આવશે અને આ માટે વિશાળ સમારંભનું આયોજન કરાશે.
પાટણમાં આવેલ આ સંસ્થા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. અહીં પ્રજાપતિ નામના કોઈપણ ગોળ કે જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. સંસ્થા સંસ્કાર ઘડતર, રોજિંદા જીવનની સુટેવો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન પૂરું પાડે છે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
સભામાં મંત્રી રઘુભાઈ, ઉપપ્રમુખ શીવાભાઈ, સહમંત્રી નરેન્દ્રભાઈ, ખજાનચી જયંતીભાઈ, આંતરિક ઓડિટર હરજીભાઈ, બાંધકામ સમિતિના મણીભાઈ અલોડા, અમરતભાઈ કંબોયા, મંજીભાઈ ધધાણા, ભવાનભાઈ ડીસા, દલસુખભાઈ માંડવી સહિત સંચાલન અને સલાહકાર સમિતિના સભ્યો તથા વિવિધ પરગણાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભા બાદ સૌએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ