
પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદની બાદ ખેડુતોને વેઠવી પડેલી નુકસાનીની પરીસ્થિતિમાં પડખે ઉભી રહી છે, તેમજ ઐતિહાસીક રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.
આ કૃષિ રાહત પેકેજને પોરબંદર જિલ્લાના આશિયાપાડ ગામના ખેડૂત દુલા સામતભાઈ ખૂટીએ આવકારતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેની નોંધ લીધી હતી અને કેબિનેટ મંત્રી સહિતનાએ વિવિધ ગામોની સ્થળ મુલાકાત લીધી હતી.
જેના કારણે ખેડૂતો દ્વારા સરકાર રાહત પેકેજ આપે તેવી આશા હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી રૂ.10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેનાથી ખેડૂતોમાં આગામી વાવેતરમાં ઉપયોગી થશે અને પેકેજ જાહેર કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં થયેલી નુકસાનીનો અંદાજ મેળવવા માટે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જિલ્લાના કમોસમી વરસાદગ્રસ્ત વિવિધ ગામોની જઈ અને ખેડૂતોને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. અને રાજ્ય સરકારની સૂચનાને પગલે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા ગામોમાં ખેતરે ખેતરે મુલાકાત કરી સર્વે-પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya