

ગાંધીનગર, 9 નવેમ્બર (હિ.સ.) : ઓરિસ્સા રાજ્યના રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150ની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી સાથે આયોજિત ભારત પર્વમાં ઓરિસ્સાના ગવર્નરશ્રી 8મી નવેમ્બરે ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ગરિમામય ઉજવણી નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વ તથા એકતા પ્રકાશ પર્વથી 15 નવેમ્બર સુધી યોજાઇ રહી છે.
આ ભારત પર્વમાં દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ રોજ રાત્રે કરીને અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ધ્યેય પાર પડી રહ્યો છે.
એક ભારત, શ્રેષ્ઠ ભારત અંતર્ગત આ પર્વમાં જે રાજ્યોની કલાકૃતિઓનું નિદર્શન અને પ્રસ્તુતિ થાય તે રાજ્યના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કરતાં રહે છે.
તદઅનુસાર, 8મી નવેમ્બરે ભારત પર્વમાં ઓરિસ્સા રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ થઈ હતી. રાજ્યપાલ શ્રી ડો. હરિ બાબુ કંભમપતી આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે એકતાનગર ખાતે એકતા પ્રકાશ પર્વની રોશની, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર રિવર બેડ પાવર હાઉસ, બટરફ્લાય પાર્ક, ફૂડ કોર્ટ, હસ્તકલા હાટ, થીમ પેવેલિયન વગેરેની પણ મુલાકાત લીધી હતી.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની પોતાની શુભેચ્છા મુલાકાત દરમિયાન ઓરિસ્સાના રાજ્યપાલએ એકતાનગરને એક સંપૂર્ણ વિશ્વ પ્રવાસનધામ તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની સફળતાની સરાહના કરી હતી.
ભારત પર્વમાં સહભાગી થવા આવેલા કલાકારો, હસ્તકલા કારીગરો સહિત પ્રવાસીઓ માટે કરવામાં આવેલી સુંદર વ્યવસ્થાઓથી તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓરિસ્સાના રાજ્યપાલને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે રાજ્યપાલને આવકારીને તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ