

ગાંધીનગર, 9 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચ સંદર્ભે આઇ.ટી.સી. નર્મદા હોટલ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઇ શાહ, સહ પ્રવક્તાઓ, ડીબેટ ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગે જણાવ્યું હતું કે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત સર્વે પત્રકારઓ અને તેમના પરિવારને શુભ વર્ષ અને સારા સ્વાસ્થ્યની મંગલકામના સાથે નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે તેઓના સ્મરણ સાથે નવી પેઢી તેમણે દેશ માટે કરેલા અમૂલ્ય કાર્યો અને જીવનમૂલ્યોથી વધારે જાગૃત અને પ્રેરિત થાય અને સમગ્ર દેશમાં એકતાનો સંદેશ પંહોચે તે હેતુથી પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય ભાજપ દ્વારા દેશની તમામ લોકસભામાં ત્રણ ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે, પણ ગુજરાતમાં તેના કરતાં આગળ વધી વિધાનસભા સ્તરે તમામ ૧૮૨ વિધાનસભામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ફક્ત દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે જ નહીં પરંતુ આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહોનું સફળ નેતૃત્વ કર્યું હતું. આજે દેશના ૧૪૦ કરોડ નાગરિકોને ગૌરવ થાય છે કે આઝાદી બાદ દેશના ૫૬૫ રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માણ કરવાનું કાર્ય આપણા ગુજરાતની ધરતીના પુત્ર સરદાર સાહેબે કર્યું હતું. સરદાર સાહેબ માટે વિવિધ પુસ્તકોમાં લખાયું છે કે તેઓ વર્તનમાં વાસ્તવિકતા ધરાવતા, સંકલ્પમાં સત્યવાદી, કાર્યમાં માનવતાવાદી, ધ્યેયમાં રાષ્ટ્રવાદી પુરુષ હતાં.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આપણા માટે ગૌરવની વાત છે કે ૩૧ ઑક્ટોબર ૧૮૭૫ ના રોજ આપણા ગુજરાતના હાલ આણંદ જિલ્લાના કરમસદ ખાતે સરદાર સાહેબનો જન્મ થયો હતો. તેઓએ તેમના કાર્યો થકી સમગ્ર વિશ્વમાં ખૂબ મોટી છાપ છોડી છે. બેરિસ્ટર થયા બાદ તેઓ આઝાદીની ચળવળમાં સતત જોડાયેલા રહ્યા. ૧૯૨૮ માં સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વ અને સક્રિય ભૂમિકા થી તેઓને સરદાર નું બિરૂદ મળ્યું. તેઓ ૯ ફેબ્રુઆરી ૧૯૨૪ થી ૧૩ એપ્રિલ ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે પણ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબના વિચાર વિવિધતામાં એકતા તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરવા અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા વન નેશન વન ટેક્સ, વન નેશન વન પાવર ગ્રીડ, વન નેશન વન હેલ્થ ઇન્સ્યોરન્સ સાથ આવનાર સમયમાં દેશના લોકતંત્રને વધુ મજબૂત બનાવવા એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે કામ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. મોદી સરકારના દરેક કાર્યમાં રાષ્ટ્રની એકતા પ્રત્યેની કટિબદ્ધતા સ્પષ્ટ દેખાય છે.
સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામમાં જ નહિ પણ તેના નિર્માણમાં પણ દેશની એકતાની ઝાંખી છે. દેશના ૧ લાખ ૮૦ હજાર ગામમાંથી ખેડૂતોએ પોતાના ઓજારો મારફત કરેલા લોખંડના દાન તેમજ દેશના ખૂણે ખૂણે થી માટી લાવીને ૧૭૦૦ ટન કાંસા અને ૧૮૫૦૦ ટન લોખંડનો ઉપયોગ થકી એકતાના સંદેશ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી નિર્માણ કરવામાં આવ્યું છે જેને નિહાળવા ફક્ત ગુજરાત કે ભારતમાંથી જ નહિ, દેશવિદેશ થી લોકો પધારી રહ્યાં છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે સરદાર સાહેબ સાથે સતત અન્યાય કર્યો, તેમને ભૂલી જવામાં અને તેમનું અપમાન કરવામાં કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. કોંગ્રેસને સરદાર પટેલને ભારત રત્ન આપવામાં ૪૧ વર્ષ લાગ્યા અને છેક ૧૯૯૧ માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યું.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે ૮ નવેમ્બરે ગુજરાતમાં જૂનાગઢથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. ૧૬ નવેમ્બરે નિકોલમાં યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે. આ ઉપરાંત ૧૭ નવેમ્બરે ઘાટલોડિયા વિધાનસભામાં આયોજિત પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જોડાશે. પ્રત્યેક વિધાનસભામાં ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચ પદયાત્રાની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકરની કે રાષ્ટ્રના અન્ય મહાપુરુષો અને લડવૈયાઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવીયા, નીમુબેન બાંભણીયા, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યઓ, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ પદયાત્રામાં જોડાશે. વિવિધતામાં એકતા ના સંદેશ સાથે તમામ સ્થળોએ પદયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, સામજિક સંસ્થાઓ, વિવિધ NGO, વિશિષ્ટ વ્યક્તિઓ અને વિશેષ કરીને યુવાનો મોટી સંખ્યામાં જોડાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. રૂટમાં વિવિધ સ્થાનોએ યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે.
યાત્રાનો બીજો ભાગ સંવિધાન દિવસ ૨૬ નવેમ્બરથી ૬ ડિસેમ્બર દરમિયાન કરમસદ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાશે. અંદાજિત ૧૫૨ કિમી ની આ ૧૧ દિવસની પદયાત્રામા ગુજરાત ઉપરાંત સમગ્ર દેશમાંથી પણ વિવિધ જિલ્લાઓ માથી દરરોજ ૪૦૦ થી ૫૦૦ યુવાનો જોડાશે. આ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય સંગઠનને પણ આમંત્રિત કરાશે. સાદગી અને સ્વચ્છતા સાથે સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવશે અને દિવ્ય કાર્યક્રમ સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે.
જગદીશભાઈ વિશ્વકર્માએ દરેક યુવાનને સરદાર સાહેબના ગુણોને જીવનમાં ઉતારી રાષ્ટ્રભાવના અને એકતાના ભાવ સાથે ભારતને શ્રેષ્ઠ બનાવવાના સંકલ્પ સાથે ‘સરદાર@૧૫૦‘ યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થવા અને સરદાર સાહેબના આદર્શોને પોતાના જીવનના મૂલ્યો બનાવી ચરિતાર્થ કરવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ