
પોરબંદર, 9 નવેમ્બર (હિ.સ.)માધવપુર ખાતેના દરિયા કિનારે આગામી દિવસોમાં TRI SERVICE EXERCISE-2025 યોજાનાર છે. જેમાં ભારતીય આર્મી, નેવી અને વાયુસેના એમ ત્રણેય સેનાની સંયુક્ત કસરત યોજાશે. આ અભ્યાસમાં ત્રણેય સેનાના જવાનો તથા ઉચ્ચ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ એકસરસાઇઝ માધવપુર ચોપાટી ખાતે યોજાવાની હોવાથી સેનાના ભારે વાહનો તથા અન્ય સશસ્ત્ર સરંજામ નેશનલ હાઇવેના દરિયા બાજુના ભાગે પાર્ક કરવાના હોવાથી તે સંજોગોમાં ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ સામાન્ય નાગરિકોના સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી. વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ–1951 ની કલમ 33(1)(ખ) હેઠળ તા. 09/11/2025 થી તા. 13/11/2025સુધી માધવપુર કાચબા કેન્દ્રથી પાતા લેન્ડીંગ પોઇન્ટ સુધીની ચોપાટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ દરમ્યાન માધવપુરથી પોરબંદર ફોરલેન માર્ગ પર માધવપુર પ્રથમ છત્રીથી પાતા બસ સ્ટેશન સુધીની ડાબી (દરિયા બાજુની) સાઇડ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે
તા.09/11/2205ના સવારે 09.00 કલાકથી તા. 14/11/2025ના બપોરે 12.00 કલાક સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. અને તમામ વાહનોની અવરજવર જમણી બાજુના માર્ગ પરથી વૈકલ્પિક રૂટ દ્વારા કરવામાં આવશે.
અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે, સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખી જાહેર કરાયેલા આ પ્રતિબંધોનું પાલન કરે અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ–1951 ની કલમ 131 હેઠળ દંડનીય ગુના માટે જવાબદાર ગણાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya