
જામનગર, 9 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ધરતીપુત્રોને મદદરૂપ થવા માટે જાહેર કરાયેલા રૂ.૧૦ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ હૃદયપૂર્વક આવકારી રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે.
યાર્ડના ડાયરેક્ટર સંજયભાઈ ભંડેરી તથા વિરેશભાઈ મહેતાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તેવા કપરા સમયમાં રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદના સાથે ખેડૂતોની પડખે ઊભા રહીને આટલું મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે, જે એક અત્યંત સમયબદ્ધ અને ઐતિહાસિક નિર્ણય છે.
સરકારે નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવીને આટલા ટૂંકા ગાળામાં રાહત પેકેજની જાહેરાત કરી, તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતલક્ષી સંવેદનશીલતાનો પુરાવો છે. રાહત પેકેજની સાથે, ટેકાના ભાવે મગફળી સહિતની જણસોની ખરીદી શરૂ કરવાના નિર્ણયથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળવાની ખાતરી મળી છે.
હાપા માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારોએ આ પગલાં બદલ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ નિર્ણય સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt