




- રેડ ક્રોસ અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે કેમ્પમાં મીડિયા કર્મીઓએ આરોગ્ય તપાસ કરાવી
-હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા' ના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી
-35 વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સ-રે અને ઇ.સી.જી. ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા
ભરૂચ 1 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન-સામાન્યની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી 'ફીટ ઈન્ડિયા'ની સંકલ્પના આપી છે. ત્યારે આ પહેલને આગળ ધપાવવા હંમેશાં પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાકર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા' ના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે. જેના ભાગરૂપે માહિતી નિયામકની કચેરી-ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સેવાશ્રમ સ્થિત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે શહેર અને જિલ્લાના મીડિયા કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
રાજ્યવ્યાપી હેલ્થ ચેક અપ માટેના આ ઉપક્રમનો લાભ લઈને ભરૂચ સહિત તાલુકાના ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પોતાના સ્વાસ્થયને અગ્રિમતા આપી આરોગ્યની દરકાર કરી કેમ્પનો લાભ લીધો હતો. જેમાં મીડિયા કર્મીઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે 35 વર્ષથી વધુ ઉંમરના પત્રકારોના એક્સ-રે અને ઇ.સી.જી. ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પનો લાભ લઈને સંતોષની લાગણી અનુભવતા પત્રકારમિત્રોએ સરકાર અને માહિતી વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મીડિયા કર્મીઓને સારી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે અને આરોગ્યનું સમયસર મૂલ્યાંકન થાય તે હેતુથી આયોજિત આ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ સવારે 9 કલાકથી બપોર 12 કલાક સુધી ચાલ્યો હતો. જેમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, બ્લડ ટેસ્ટ સહિત વિવિધ પ્રકારના ટેસ્ટ અને ECG, એક્સ રે સહિતના જરૂરી પરીક્ષણને આવરી લેવામાં આવ્યા હતા. આ હેલ્થ ચેક અપ કેમ્પ થકી આરોગ્ય વિષયક સુવિધાઓને આવરી લઈને મીડિયા કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ