રામમંદિર ઓડિટોરિયમ ખાતે 'મહિલા સ્વરોજગાર મેળો' યોજાયો, ખાનગી એકમોમાં મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાઈ
ગીર સોમનાથ, 6 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા ગીર સોમનાથ મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શનમાં પ્રભાસ પાટણના રામ મંદિર ખાતે ''મહિલા સ્વરોજગાર મે
રામમંદિર ઓડિટોરિયમ ખાતે 'મહિલા સ્વરોજગાર મેળો' યોજાયો, ખાનગી એકમોમાં મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાઈ


ગીર સોમનાથ, 6 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા ગીર સોમનાથ મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શનમાં પ્રભાસ પાટણના રામ મંદિર ખાતે 'મહિલા સ્વરોજગાર મેળો' યોજાયો હતો. આ મેળાના માધ્યમથી ખાનગી એકમોમાં મહિલાઓ માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મહિલા અને બાળ અધિકારી શ્રી એમ.જે.વારસૂરે શાબ્દિક સ્વાગત કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની વિભાવના સાકાર કરવા સૌથી પહેલું પગથિયું એ છે કે પુરુષો સાથે સ્ત્રીઓ પણ આર્થિક ઉપાર્જન કરી અને આત્મનિર્ભર બને. માત્ર પુરુષ આત્મનિર્ભર હોય તો અસમતુલન સર્જાય શકે છે. મહિલાઓને રોજગાર વગર ઘણીવાર સામાજિક અને આર્થિક મુશ્કેલી પણ સહન કરવી પડતી હોય છે. જેથી રોજગારીનું મહત્વ સમજાવી અને તેમણે રોજગારલક્ષી દિશામાં આગળ વધવા અપીલ કરી હતી.

દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી સોનલબહેન રાઠોડે મહિલાઓ માટે આર્થિક ઉપાર્જન, આર્થિક સહાય અને સ્વરક્ષણની માહિતી આપી હતી. તેમણે તબીબી સહાય, પોલીસ સહાય, કાયદાકિય સહાય અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલિંગ જેવી બાબતો વિશે માર્ગદર્શન પૂરું પાડી કચ્છના પાબીબહેન રબારી, સુનિતા વિલિયમ્સ જેવી સફળ મહિલાઓના ઉદાહરણ પ્રસ્તુત કરી ઉપસ્થિત મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી.

જિલ્લા રોજગાર પ્લેસમેન્ટ ઓફિસર શ્રી કે.એચ.રામે જણાવ્યું હતું કે આદર્શ સમાજના નિર્માણ માટે સ્ત્રી અને શિક્ષક અત્યંત આવશ્યક છે. આજે સમાનતાની અનેક તકો સાંપડી છે તો મહિલાઓએ તેનો લાભ લેવો જોઈએ આમ કહી તેમણે જિલ્લા રોજગાર વિનિમય કચેરી હસ્તકની રોજગારલક્ષી યોજનાઓની માહિતી રજૂ કરી રોજગાર કચેરીના કાર્યો અને ઉપયોગીતા વર્ણવી હતી.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ કમિશનર એચ.એમ.વાઘેલાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, મહિલા સ્વરોજગાર માટે લોન, વાજપાઈ બેંકેબલ યોજના સહિતની યોજનાઓથી મહિલાઓ પોતાનો વ્યાપાર આગળ ધપાવી શકે છે. મોતીકામ, ભરતકામ, દરજીકામ સહિત એવા ઘણા વ્યવસાય છે. જે ઘરેથી પણ થઈ શકે છે આમ કહી તેમણે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બને અને જીવનમાં નોકરીદાતા બને એવી શુભેચ્છા આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી રસીલાબહેને કર્યું હતું તેમજ આભારવિધિ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફિલ્ડ ઓફિસર શ્રી એસ.એમ.ગજેરાએ કરી હતી.

આ કાર્યક્રમમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ તેમજ બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત લાભાર્થીઓને દીકરી વધામણા કીટ અને એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. આ સાથે જ સુશીલાબહેન મસાણીને મહિલા સ્વાવલંબન અંતર્ગત મહિલા સ્વાવલંબન સબસીડી મંજૂરી પત્ર આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી અને રાયચુરા એનર્જી તાલાળા, બોનાન્ઝા સલૂન્સ એન્ડ એકેડમી, રાજકોટ તેમજ વેરાવળની આદિત્ય બિરલા સનલાઈફ ઈન્સ્યૂરન્સ સહિતના ખાનગી એકમોમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande