




પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં જિલ્લાકક્ષાનો ગીતા મહોત્સવ સત્યનારાયણ મંદિર હોલ ખાતે સકારાત્મક અને ભવ્ય માહોલમાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી - વિરાસત ભીના સંકલ્પને અનુસરી સંસ્કૃત ભાષાનું સંવર્ધન, જતન અને પ્રચાર-પ્રસાર વધારવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ, જેઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ કંઠસ્થ કર્યા હતા અથવા સંસ્કૃત સમીક્ષા સ્પર્ધામાં નોંધપાત્ર પ્રદાન કરેલું, તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી વી. કે. પરમારે સંસ્કૃત ભાષાના મહિમા તથા ગીતાજી માનવ જીવનમાં ધરાવતું કલ્યાણમય સ્થાન અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આધુનિક વ્યસ્ત જીવનમાં સંસ્કૃતિના જતન માટે સૌની પ્રશંસા કરી હતી અને ગીતાજી માનસિક શાંતિનો વિશ્વસનીય સ્ત્રોત હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેમણે કર્મ, જ્ઞાન અને ભક્તિના ત્રિવેણી સંગમ રૂપ ગીતા તત્વજ્ઞાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સંસ્કૃતિના સંવર્ધન સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઈનચાર્જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નમ્રતાબા વાઘેલાએ ગીતાજીને વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ ગણાવ્યો કે જેની જયંતિ ઉજવાય છે. તેમણે જણાવ્યું કે દરેક કાળમાં ગીતા પ્રસ્તુત રહે છે તે જ તેની મહાનતા છે.
જિલ્લા શિક્ષણાધીકારી કચેરીના જતીનભાઈ રાવલે મહેમાનગણનું શાબ્દિક સ્વાગત કરી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓ તથા સંસ્કૃત ભાષાના મહિમા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
ભારવાડા સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય ભાર્ગવભાઈએ સરળ અને સ્પષ્ટ શૈલીમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહત્વ અંગે સમજાવ્યું હતું. શુભમભાઈ સામાણીએ ગીતાના અર્થ, ભાવાર્થ અને આધ્યાત્મિક મહિમા અંગે રજૂઆત કરી હતી. રામબા કોલેજના નરેન્દ્ર ડોડિયા તથા યાજ્ઞાવલ્કય શાળાના દિનેશભાઈ લોઢારીએ પણ વિદ્યાર્થીઓને ગીતાજી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરની વિદ્યાર્થિનીઓ દ્વારા ભક્તિ યોગનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 અને 15 નું સામૂહિક પારાયણ તથા સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત નાટ્ય પ્રસ્તુતિની કરાઇ હતી. તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના જતીનભાઈ રાવલ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સમીરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા શિક્ષણાધીકારી કચેરીના એમ.વી. કોડિયાતર દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ ગીતા ભવનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ માખેચા, ભાગ્યવિજય હિંમતલાલ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીરવભાઈ દવે, ધવભાઈ દવે, કે. પી. મહેતા તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya