



પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.) : પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. કથા 7 ડિસેમ્બર સુધી ચાલશે. શુભારંભ કાર્યક્રમ સામાજિક સમરસતાનો સંદેશ આપતો અનોખો હતો. જેમાં 51 વાલ્મિકી સમાજની દીકરીઓના કુમકુમ પગલાંથી કથાનું પ્રારંભ થયું અને ત્યારબાદ દીપ પ્રગટાવી વિધિવત શુભારંભ થયો.
કથાકાર રમેશભાઈ ઓઝાના આગમન પહેલાં મોટી સંખ્યામાં માતાઓ કળશ ધારણ કરીને અને ભાઈઓ તુલસી ક્યારો તથા ભગવી ઝંડીઓ સાથે સામૈયામાં જોડાયા હતા. ભાઈશ્રી દ્વારા કપિલા ગૌ માતાનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું. મુખ્ય દાતાઓ ચેતનભાઈ વ્યાસ અને નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને આરતી કરી.
વિધિ પૂર્ણ થયા બાદ રમેશભાઈ ઓઝાનાં સ્વમુખે શ્રીમદ્ ભાગવત કથાનો આરંભ થયો. આ પ્રસંગે મોટા પ્રમાણમાં સાધુ સંતો, મહંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા અને કથાનું શ્રવણ કર્યું. શ્રદ્ધાળુઓની સુવિધા માટે 15,000 લોકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલું ભોજન પ્રસાદ ઉપલબ્ધ છે. જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા પણ છે. ખાસ આકર્ષણ તરીકે, ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે. કથા મંડપમાં કપિલા ગાય માટે અલગ બેઠક વ્યવસ્થા, સોનાના વરખથી શણગારેલી શિંગડા સાથે સાત દિવસ સુધી ઉપલબ્ધ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ