
સુરત, 1 ડિસેમ્બર (હિ.સ.)-ઉધના–મગદલ્લા રોડ પર બ્રેડ લાઈનર સર્કલ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે બાઈકચાલક યુવકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને તેની KTM બાઈક ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું માથું અને ધડ અલગ થઈ ગયા અને સ્થળ પર જ તેનું મોત નીપજ્યું.
મૃતકની ઓળખ 18 વર્ષીય પ્રિન્સ પટેલ તરીકે થઈ છે. પ્રિન્સ યુટ્યુબ પર PKR Blogger (PKR BLOGGER) તરીકે જાણીતો હતો અને PKR BLOGGER / PKR BLOGS નામથી બાઈક રાઈડિંગના બ્લોગ્સ બનાવતો હતો. તેના રાઈડિંગ કન્ટેન્ટને કારણે તે યુવાવર્ગમાં લોકપ્રિય બન્યો હતો.
પ્રાથમિક પોલીસ તપાસ મુજબ, અકસ્માત સમયે પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું, જે તેની મોતનું મુખ્ય કારણ બન્યું. પોલીસે જણાવ્યું કે, જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત.
ઘટનાની જાણ મળતા જ પોલીસ તરત સ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને આગળની કાયદેસર તપાસ શરૂ કરી. આ દુર્ઘટનાએ પરિવાર, મિત્રો અને ચાહકોમાં ભારે શોકનું વાતાવરણ ઉભું કર્યું છે.
પોલીસે નાગરિકો અને ખાસ કરીને યુવાનોને ઝડપથી બાઈક ચલાવવાનું ટાળવા અને હેલ્મેટ ફરજિયાત પહેરવા અપીલ કરી છે, જેથી આવી દુઃખદ ઘટનાઓ અટકાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે